Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

પેટલાદ તાલુકાના રામોદડી ગામની ટેમ્લી સીમ વિસ્તારમાં આરામ કરી રહેલ ઘરમાં 10 માસના માસુમ બાળકનું મોત નિપજાવી તળાવમાં મૃતદેહ નાખી દેવામાં આવતા અરેરાટી મચી જવા પામી

આણંદ:જિલ્લાના પેટલાદ તાલુકાના રામોદડી ગામની ટેમ્લી સીમ વિસ્તારમાં ગઈકાલે મધ્યરાત્રિના સુમારે કોઈ અજાણ્યા શખ્શે દંપત્તિ સાથે સુઈ રહેલ ૧૦ માસના માસુમ બાળકનું મોત નીપજાવી ઘર નજીક આવેલ તળાવમાં નાખી દેતા નાનકડા ગામમાં ભારે ચકચાર મચી છે. બનાવ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા શખ્શ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

રામોદડી ગામે ટેમ્લી સીમ વિસ્તારમાં મહેશભાઈ તખાભાઈ સોલંકીનો પરિવાર રહે છે. તેઓ મજુરીકામ કરીને ગુજરાન ચલાવે છે. મહેશભાઈના પરિવારમાં પત્ની તેમજ તાજેતરમાં જન્મેલ ૧૦ માસનો બાળક પણ હતો. ગઈકાલે જમી-પરવારી ૧૦ માસીય બાળક સાથેનો પરિવાર પલંગમાં નીંદરની મજા માણી રહ્યું હતું. દરમ્યાન મધ્યરાત્રિના ૨ઃ૦૦ થી સવારના ૫ઃ૦૦ કલાક દરમ્યાન કોઈ અજાણ્યા શખ્શે પલંગમાં સુઈ રહેલ ૧૦ માસીય બાળકની હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ શખ્શ બાળકને ઉપાડી લઈ જઈ ઘરથી આશરે ૬૦૦ મીટર દુર આવેલ તળાવમાં ફેંકી દીધુ હતું.

સવારના સુમારે દંપત્તિ જાગતા તેઓએ બાળકને જોતા ગભરાઈ ગયા હતા. બાદમાં તપાસ કરતા ૧૦ માસીય બાળકનો મૃતદેહ ઘર નજીક આવેલ તળાવમાંથી મળી આવ્યો હતો. બનાવ અંગે દિપીકાબેન મહેશભાઈ સોલંકીએ પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્શ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:33 pm IST)