Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

૧૮ વર્ષ સુધીની વયના વિદ્યાર્થીઓની વિનામૂલ્યે આરોગ્ય તપાસ તેમજ ગંભીર રોગ હશે તો સારવાર કરાવશે સરકાર

રાજય સરકારનો મહત્વનો નિર્ણય

અમદાવાદ, તા.૧૩: રાજયભરની તમામ શાળાઓના વિદ્યાર્થીઓના ૧૮ વર્ષ સુધીના દોઢ કરોડથી વધુ વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.આ ચકાસણી દરમ્યાન ગંભીર બિમારી ધરાવતાં વિદ્યાર્થીઓને લાખો રૂપિયાની વિનામૂલ્યે સારવાર રાજય સરકાર દ્વારા પુરી પાડવામાં આવશે. જેની વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગરમાં મળેલી રાજયકક્ષાની સ્ટીયરીંગ કમિટીની બેઠકમાં મહત્વના આંકડાઓ અને માહિતીઓ રજૂ કર્યા હતા.જે અંતર્ગત તેઓએ જણાવ્યું હતું કે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત ૧૮ વર્ષની ઉમરના શાળાએ જતા અને ન જતા વિદ્યાર્થીઓને આવરી લેવાતા હતા. આ વર્ષે ૧૮ વર્ષની ઉમરના કોઈપણ ક્ષેત્રે અભ્યાસ કરતા એટલે કે, આઇ.ટી.આઇ., કોલેજ, ડીગ્રી-ડીપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ આવરી લેઇને વિનામૂલ્યે આરોગ્યની તપાસનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.

વર્ષ ૨૦૧૯-૨૦માં ૧ કરોડ ૫૯ લાખ ૬૧ હજાર ૯૦૬ બાળકોના આરોગ્યની તપાસ

ગત વર્ષે કોરોનાના સંક્રમણને પરિણામે આરોગ્ય ચકાસણી કાર્યક્રમ શાળાઓમાં બંધ રહ્યો હતો. આ કાર્યક્રમ હેઠળ વર્ષ ૨૦૧૯-૨૦માં ૧ કરોડ ૫૯ લાખ ૬૧ હજાર ૯૦૬ બાળકોના આરોગ્યની તપાસ કરાઇ હતી.

જેમાં ૨૮ લાખ ૫૫ હજાર ૪૪૭ બાળકોને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી તથા ૨ લાખ ૬૫ હજાર ૦૦૪ બાળકોને સંદર્ભ સેવાનો લાભ અપાયો છે.

૯૮ હજાર બાળકોને વિના મૂલ્યે ચશ્માનું વિતરણ કરાયુ હતું. આ ઉપરાંત ૨૦ હજાર ૬૭૪ બાળકોને હૃદયરોગ, ૨૮૬૯ બાળકોને કિડનીરોગ, ૧૮૫૫ બાળકોને કેન્સર રોગ, ૮૨૨ કલેપ લીપ-પેલેટ, ૧૧૫૨ કલબ ફૂટની સારવાર અપાઇ હતી.

જયારે ૨૫ બાળકોને કિડનીનું પ્રત્યારોપણ, ૧૬૩ કોકલીયર ઇમ્પલાન્ટ તથા ૨૨ બાળકોના બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટની સંપૂર્ણ સારવાર વિના મૂલ્યે રાજય સરકાર દ્વારા પૂરી પડાઇ હતી.

શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજયભરની તમામ શાળાઓના વિદ્યાર્થીઓના ૧૮ વર્ષ સુધીના દોઢ કરોડથી વધુ વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.આ ચકાસણી દરમ્યાન ગંભીર બિમારી ધરાવતાં વિદ્યાર્થીઓને લાખો રૂપિયાની વિનામૂલ્યે સારવાર રાજય સરકાર દ્વારા પુરી પાડવામાં આવશે. જેની વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

સાધન તુટી જાય, ખોવાઈ જાય કે ચોરાઇ જાય ત્યારે પણ રાજય સરકાર દ્વારા પચાસ ટકા સહાય

આ ઉપરાંત જે વિદ્યાર્થીઓને બોલવામાં અને સાંભળવામાં તકલીફ હોય તેવા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે કોકલીયર ઇમ્પ્લાન્ટ પુરા પાડવામાં આવે છે. આ કોકલીયર ઈમ્પ્લાન્ટનું કોઈ સાધન તુટી જાય, ખોવાઈ જાય કે ચોરાઇ જાય તો તેવા કિસ્સામાં દર્દીને સહાયરૂપ થવા રાજય સરકાર દ્વારા પચાસ ટકા સહાય આપવાનો પણ નિર્ણય કરાયો છે.

તેમણે ઉમેર્યુ કે, જે વિદ્યાર્થીઓને કિડની, હ્રદય, કેન્સર જેવા ગંભીર રોગોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય તેમને પણ રાજય સરકાર દ્વારા વિનામૂલ્યે સારવાર પુરી પાડવામાં આવે છે. જે અંતર્ગત કેટલાક ગંભીર રોગોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું થાય તે અંગેનું નિદાન ૧૮ વર્ષ પહેલા થઇ ગયુ હોય પરંતુ ટ્રાન્સપ્લાન્ટ અંગેનું ઓર્ગન ૧૮ વર્ષ બાદ મળે તો પણ આવા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સારવાર આપવાનો પણ રાજય સરકારે નિર્ણય કર્યો છે તે મુજબ રાજય સરકાર દ્વારા સારવાર પણ પુરી પડાશે.

(3:49 pm IST)