Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

મોંઘવારીનો વધુ એક ડામઃ ખાંડ પણ કડવી બની !

પેટ્રોલ-ડીઝલ બાદ તહેવારો પૂર્વે ખાદ્યતેલો બાદ હવે ખાંડના પણ ભાવો વધ્યા : ખાંડ ૧ કિલોના ભાવ ૩૭ થી ૩૭.૫૦ રૂ. તે વધીને ૩૯થી ૪૦ રૂ. થઈ ગયાઃ કવોટો ઓછો ફાળવાતા ભાવો વધ્યાઃ તહેવારોની ખરીદીના કારણે હજુ પણ ભાવો વધે તેવી શકયતા

રાજકોટ, તા. ૧૩ :. સાતમ-આઠમના તહેવારો પૂર્વે જ ખાદ્યતેલો બાદ ખાંડના ભાવો પણ વધતા મોંઘવારીના ચક્રમાં પિસાતી પ્રજાને વધુ એક ડામ લાગ્યો છે.

ચાલુ માસમાં કેન્દ્ર સરકાર દ્વારા ખાંડનો કવોટો ઓછો જાહેર કરાતા ખાંડના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત મહિને સરકાર દ્વારા ખાંડનો કવોટો જાહેર કરાયા બાદ છેલ્લા ૧૪ દિ'માં ખાંડમાં કવીન્ટલ (૧૦૦ કિલો)એ ૧૫૦ થી ૨૦૦ રૂ. અને કિલોએ ૧.૫૦થી ૨ રૂ.નો ભાવ વધારો થયો છે. હોલસેલમાં ખાંડ ડી-૧ કવીન્ટલ (૧૦૦ કિલો)ના ભાવ ૩૪૦૦ રૂ. હતા તે વધીને ૩૫૫૦ રૂ. થઈ ગયા છે. જ્યારે ખાંડ-સી ૧ કવીન્ટલના ભાવ ૩૫૫૦ રૂા હતા તે વધીને ૩૭૦૦થી ૩૭૫૦ રૂ. થઈ ગયા છે. ખાંડ એક કિલોના ભાવ ૩૭ થી ૩૭.૫૦ રૂ. હતા તે વધીને ૩૯ થી ૪૦ રૂ. થઈ ગયા છે.

વેપારી સુત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારે ગત માસે રર લાખ ટન ખાંડનો કવોટો જાહેર કર્યો છે. આગલા માસ કરતા એક લાખ ટન ખાંડનો કવાટો ઓછો જાહેર થતા ખાંડના ભાવો વધી રહેલા છે.

ખાંડનો ઓછો કવાટો અને સમ્ગર દેશમાં લોકડાઉન ખુલ્લી જતા હોટેલ સહિતના ઉદ્યોગમાં ખાંડની ડિમાન્ડ વધતા તેમજ ચાલુ માસમાં સાતમ-આઠમ સહિતના તહેવારો હોય ખાંડની ડિમાન્ડ વધતા ભાવો વધી રહ્યા છે. આગામ દિવસોમાં હજુ પણ ખાંડના ભાવો વધે તેવી શકયતા છે.

પેટ્રોલ-ડિઝલ બાદ તહેવારો પૂર્વે જ ખાદ્યતેલો બાદ ખાંડના ભાવો પણ વધતા મોંઘવારીના ચક્રોમાં આમ લોકોને તહેવારો ઉજવવા પણ મુશ્કેલ બન્યા છે. તહેવારો ટાંકણે જ જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવો ભડકે બળતા મોંઘવારી કર્યા જઇને ઓટકશે ? તેવો પ્રશ્ન લોકો પુછાઇ રહ્યો છે.

(3:04 pm IST)