Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

હરિધામ - સોખડા સ્વામિનારાયણ મંદિરના પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજીના અસ્થિકુંભ દર્શન -વંદન સમારોહ અમદાવાદમાં યોજાયો : શહેરના વિધવિધ ક્ષેત્રના અગ્રણીઓ તથા મહાનુભાવોની ઉપસ્થિતી

જૂનાગઢ : વડોદરા પાસે આવેલ હરિધામ-સોખડા શ્રી અક્ષર પુરુષોત્ત્।મ સ્વામિનારાયણ મંદિરના પરમાધ્યક્ષ બ્રહ્મ સ્વરૂપ પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજીના સ્વધમગમન પ્રસંગે અલગ અલગ શહેરોમાં તથા સત્સંગ મંડળોમાં તેઓશ્રીના દિવ્ય અસ્થિકુંભ દર્શન તથા કૃતજ્ઞભાવ વંદન સમારોહ યોજાઈ રહ્યા છે. તે શૃંખલામાં ગુરુવાર, તારીખ ૧૨ ઓગષ્ટ ની સાંજે અમદાવાદ-ગાંધીનગરના સહુ મહાનુભાવો, મહેમાનો તથા ભકત સમુદાય માટે દર્શન અને વંદન માટેનું આયોજન સંસ્થાના અમદાવાદ ખાતેના મુખ્ય કેન્દ્ર આત્મીય સંસ્કારધામ, નિર્ણય નગર ખાતે રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ નરહરિભાઈ અમીન, ધારાસભ્યશ્રી અરવિંદભાઈ ગોંડલીયા, શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ પટેલ, શ્રી શંકરભાઇ ચૌધરી, શ્રી પરાગભાઈ નાયક, શ્રી વિનયભાઈ દેસાઈ, શ્રી રાજેશભાઇ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય શ્રી હેમેન્દ્રપ્રસાદ મહારાજશ્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી તેમનો ભાવ અર્પણ કર્યા હતો. આ પ્રસંગે સંસ્થાની સેવાની જવાબદારીનો કળશ જે સંતોને સોંપવામાં આવ્યો છે તેવા પ.પૂ. પ્રેમસ્વરૂપ સ્વામીજી તથા પ.પૂ. પ્રબોધજીવન સ્વામીજી ની સાથે પૂ. અશોકભાઈ - સેક્રેટરી તથા પૂ. વિઠ્ઠલદાસ પટેલ (ફુવાજી) હરિધામ તીર્થસ્થાનેથી પ.પૂ. સ્વામીજીના અસ્થિકુંભ લઈને પધાર્યા હતા. સર્વે ઉપસ્થિત ભકત સમુદાય તથા મહાનુભાવોએ ગદગદ ભાવથી તેઓનું સ્વાગત કરી અને પોતાનો કૃતજ્ઞભાવ અર્પણ કર્યો હતો. પ્રાસંગિક ઉદબોધનમાં પ.પૂ. પ્રેમસ્વરૂપ સ્વામીજી તથા પ.પૂ. પ્રબોધજીવન સ્વામીજીએ પ.પૂ. સ્વામીજીના અમૃત વચનોને ટાંકતા સમગ્ર સત્સંગ સમાજના ભકતોને હૂંફ અર્પી હતી. સાથે સાથે તેઓએ સમગ્ર સત્સંગીઓને પ.પૂ. સ્વામીશ્રીનો અમૂલ્ય આત્મીય વારસો આગળ ધપાવવા માટેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નરહરિભાઈ અમીને સ્વામીજીની સાથેની તેમની સ્મૃતિઓ વાગોળી અને શ્રદ્ઘાંજલિ અર્પણ કરી હતી. શ્રી પરિન્દુ ભગતે પણ સ્વામીજી સાથેના આત્મીય સંબંધના નાતે આ પ્રસંગે તેમના ટૂંકા વકતવ્ય દ્વારા પ.પૂ. સ્વામીજી પ્રત્યેનો તેમનો ભાવ તથા શ્રદ્ઘાંજલિ અર્પણ કરી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા મુજબ સમગ્ર ઉપસ્થિત ભકત સમુદાયે ખૂબ જ શિસ્તબદ્ઘ રીતે તથા આત્મીયભાવથી સરકારશ્રીની ગાઇડ લાઇન અનુસાર આ સમારોહમાં વંદન તથા કૃતજ્ઞભાવ અર્પણ કર્યા હતો. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(12:46 pm IST)