Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

કાલથી રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને વિજયભાઇ રૂપાણી બે દિ' જુનાગઢમાં

સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણી કરાશેઃ તંત્ર દ્વારા તડામાર તૈયારી

(વિનુ જોશી) જુનાગઢ, તા., ૧૩: આવતીકાલથી રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી બે દિવસ જુનાગઢ ખાતે મુકામ કરશે બંને મહાનુભાવો જુનાગઢમાં સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની થનાર ઉજવણી અને અન્યકાર્યક્રમોમાં હાજરી આપશે.

દેશના ૭પ માં સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણી આ વર્ષે જુનાગઢ ખાતે  થવાની હોવાથી વહીવટી, પોલીસ સહીતના વિભાગોએ રાત-દિવસ એક કર્યા છે જુનાગઢની સરકારી ઓફીસો, ઇમારતોને નવા રંગ રૂપ આપી સુશોભીત કરવામાં આવેલ છે.

રાજયકક્ષાની ઉજવણીનો પ્રારંભ આવતીકાલ ૧૪ ઓગષ્ટથી થશે. પ્રારંભમાં આવતીકાલે સાંજે ૬.૩૦ કલાકેથી કૃષિ યુનિ. ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજીત સાંસ્કૃતિક સહીતના કાર્યક્રમો રાજયપાલશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આયોજીત કરવામાં આવેલ છે.

આ તકે બંને મહાનુભાવો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરાયેલા જિલ્લા પરિચય પુસ્તિકા અને તૌકતે વાવાઝોડામાં પોલીસ વિભાગ દ્વારા કરાયેલી કામગીરી અંગેનાં કોફી ટેબલ બુકસનું વિમોચન કરશે. બાદમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

બીજા દિવસે એટલે કે, ૧પ ઓગસ્ટનાં રોજ સવારે ૯ કલાકે મુખ્યમંત્રીશ્રી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવશે. અને આ પ્રસંગે હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા થશે આ સાથે પોલીસ બેન્ડ રાષ્ટ્રગીત વગાડશે. બાદમાં સવારે ૬.ર૩ થી સાંસ્કૃતિક કાર્યક્રમ, રવીપન પીટી, જીમ્નાસ્ટીક ડોગ શો, બોડી વોર્ન કેમેરા અને ફોન ડેમો સ્ટ્રેશન યોજાશે.

સવારે ૧૦.૧૯ કલાકે રાષ્ટ્રગીત ગાન, તેમજ ૧૦-ર૦ કલાકે મુખ્યમંત્રીશ્રી સ્વાતંત્ર્ય સેનાની અભિવાદન કરશે અને ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલશે.

(12:46 pm IST)