Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

દેશની સૌથી મોંઘી રાખડી સુરતમાં તૈયાર કરવામાં આવી છે : જેની કિંમત છે ૫ લાખ રૂપિયા

સુરતના જવેલર્સ વેપારી દ્વારા તૈયાર કરવામાં આવેલી રૂપિયા ૫ લાખ સુધીની કિંમતની ગોલ્ડ રાખી જવેલર્સ બજારમાં આકર્ષણનું કેન્દ્ર બની છે : ગોલ્ડ રાખીની કિંમત ૨૫૦૦થી ૫ લાખ રૂપિયા સુધીની છે : જયારે સિલ્વર રાખીની કિંમત ૩૦૦ રૂપિયાથી માંડી ૫૦ હજાર સુધી આંકવામાં આવી રહી છે

સુરત,તા.૧૩: જી હા! દેશની સૌથી મોંઘી રાખડી ગુજરાતના સુરતમાં તૈયાર કરવામાં આવી છે, જેની કિંમત ૫ લાખ રૂપિયા છે. સુરતના એક જવેલર્સ શોરૂમમાં સોના, ચાંદી અને પ્લેટિનમથી વિવિધ પ્રકારની રાખડીઓ બનાવવામાં આવી છે. આ શોરૂમમાં રક્ષાબંધનના તહેવાર માટે ૩૫૦થી ૫ લાખ રૂપિયા સુધીની રાખડીઓ તૈયાર કરવામાં આવી છે.

સુરતમાં જવેલર્સે તૈયાર કરેલી રૂપિયા ૫ લાખની આ રાખડી એક ખાસ ઓર્ડર બાદ તૈયાર કરાઇ છે. આ રાખડી કદાચ દેશની સૌથી મોંઘી રાખડી કહી શકાય છે. આ રાખડીમાં ગોલ્ડ અને ડાયમંડનો ઉપયોગ કરાયો છે. આ રાખડીમાં દોરાને બદલે સોનાનું બંગડી અને હીરાનું પેન્ડન્ટ છે.

જે રક્ષાબંધન પછી પણ મહીલાઓ હાથમાં બંગડી અને ગળામાં સોનાની ચેઇનમાં હીરાનું લોકેટ પહેરી શકે છે. અથવા તો, ભાઈને મળેલી આ મોંઘી રાખી તેની પત્ની ગળામાં પહેરી શકે છે. આ સાથે સિલ્વર ગોલ્ડ રાખી પણ તૈયાર કરવામાં આવી છે. જેમાં બાળકો માટેની સિલ્વર ગોલ્ડ રાખીની કિંમત ૩૦૦ રૂપિયાથી માંડી ૫૦ હજાર સુધીની છે.

ગુજરાતનું સુરત શહેર દેશ અને દુનિયામાં ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે. વિશ્વભરમાં તૈયાર થતા ૧૦૦ હીરામાંથી ૯૫ હીરા સુરતમાં તૈયાર કરવામાં આવે છે, તેથી સુરતના શ્રીમંત પરિવારોમાં અલગ અલગ તહેવારો પર આવા અનોખા ઘરેણાં ખરીદવાનો ખાસ ટ્રેન્ડ જોવા મળે છે.

(10:22 am IST)