Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

વાઇબ્રન્ટ ગુજરાતના પ્રચાર માટે મુખ્ય પ્રધાન દુબઇ એકસ્પોની મુલાકાત લઇ શકે છે

ગાંધીનગર તા. ૧૩ : કોરોનાના કેસ ઘટતા અને આંતરરાષ્ટ્રીય પ્રવાસ પરના પ્રતિબંધો હળવા થતા મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી મહામારી પછી પોતાની પહેલી વિદેશયાત્રાનું વિચારી રહ્યા છે. રૂપાણી ઓકટોબરના પ્રથમ સપ્તાહમાં દુબઇના પ્રવાસે જઇને રાજ્ય સરકાર દ્વારા આયોજીત વાઇબ્રન્ટ ગુજરાત સમિટને પ્રચાર કરી શકે છે. મુખ્ય પ્રધાનનો હોદ્દો સંભાળ્યા પછી વિજયભાઇ રૂપાણી ૨૦૧૮માં ઇઝરાયેલ અને ૨૦૧૯માં ઉઝબેકીસ્તાન તથા રશીયાના પ્રવાસે ગયા હતા.

આ અંગેના માહિતગાર સૂત્રએ કહ્યું કે રાજ્યમાં કોરોનાના કેસ ૧૦૦થી નીચે આવી ગયા છે અને આગામી મહિનાઓમાં જો પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ રહેશે તેવું દેખાય રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જે ચાલુ વર્ષે મહામારીના કારણે રદ્દ કરાઇ હતી તેને યોજવાનું પ્લાનીંગ કરી રહી છે.

સુત્ર અનુસાર, જાન્યુઆરી ૨૦૨૨માં યોજાનાર આ સમીટનું સોફટ માર્કેટીંગ કરવા મુખ્ય પ્રધાન ૧ ઓકટોબર ૨૦૨૧થી શરૂ થઇ રહેલ દુબઇ વર્લ્ડ એકસ્પોમાં ભાગ લેવાનું આયોજન કરી રહ્યા છે. મુખ્ય પ્રધાને સંબંધિત અધિકારીઓને આ વીઝીટ અંગેની વિસ્તૃત માહિતી તૈયાર કરવા કહ્યું છે. સૂત્રએ કહ્યું કે, લગભગ ૪ થી ૫ અધિકારીઓ અને ૧ કે ૨ પ્રધાનો પણ મુખ્ય પ્રધાન સાથે આ પ્રવાસમાં જોડાઇ શકે છે.

(10:21 am IST)