Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

સોનાના ભાવ ૧૩ દિવસમાં ૧૭૦૦ રૂપિયા ઘટયા

તહેવારોની સીઝનમાં વધુ વેચાણની જ્વેલરોને આશા

અમદાવાદ તા. ૧૩ : સોનાના ભાવોમાં થઇ રહેલા ઘટાડાથી જ્વેલરોને તહેવારોની આ સીઝનમાં મોટા વેચાણની આશા છે. લગ્ન માટેના આભૂષણો મોટા ભાગે સારા દિવસોમાં ખરીદાય છે અને રક્ષાબંધન તથા જન્માષ્ટમી જેવા તહેવારો આવી રહ્યા છે ત્યારે સોનાના ભાવોમાં નોંધપાત્ર ઘટાડાથી જ્વેલરોમાં ખુશીનો માહોલ છે. છેલ્લા ૧૩ દિવસમાં સોનાના ભાવો દર ૧૦ ગ્રામે ૧૭૦૦ રૂપિયા જેટલા ઘટી ગયા છે જે ૩૦ જુલાઇના ૫૦૦૦૦ રૂપિયા પ્રતિ ગ્રામથી ૩.૪ ટકા ઘટીને ૧૨ ઓગસ્ટે ૪૮૩૦૦ રૂપિયા થઇ ગયા છે.

વિશ્લેષકો અનુસાર સોનાના ભાવમાં ઘટાડો યુએસ ડોલરમાં મજબૂતી અને હાલમાં બહાર આવેલા યુએસ જોબ ડેટાના સારા સંકેતોના કારણે છે.

સોનાની માંગના ટ્રેન્ડની વાત કરતા અમદાવાદના જ્વેલર મનોજ સોનીએ કહ્યું કે, લગ્ન માટે આભૂષણોની ખરીદી મોટા ભાગે દિવાળી પછી થતી હોય છે પણ અત્યારે સોનાના ઘટતા ભાવ ગ્રાહકો માટે ચોક્કસ પણે સારો ચાન્સ છે.

જ્વેલર્સ અનુસાર દેશમાં સોનુ ખરીદતી વખતે એક્ષચેન્જની ટકાવારી વધારે રહેતી હોય છે. ઓછામાં ઓછા ૫૦ ટકા આભૂષણો એક્ષચેન્જથી અને બાકીના રોકડ, ચેક અથવા ડીજીટલ પેમેન્ટથી ખરીદાય છે. ગુજરાતમાં નબળા ચોમાસાના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં માંગ ઘટવાની આશંકા દેખાઇ રહી છે.

(10:21 am IST)