Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

નર્મદા માં સમાજ સેવાકીય પ્રવૃત્તિ કરનાર ૧૫ જેટલી વ્યક્તિ તથા સંસ્થાને રેવાના મોતી એવોર્ડ-૨૦૨૧ થી સન્માનિત કરાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : છેલ્લા બે વર્ષથી જનકલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપલા આયોજિત  "રેવાના મોતી" એવોર્ડ-૨૦૨૧ સમારંભ આ વર્ષે (સેવા સ્મૃતિ સન્માન ) તરીકે ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં નાંદોદના ધારાસભ્ય પી.ડીવસાવા, પ્રાંત અધિકારી કે.ડી.ભગત, જિલ્લાના અગ્રણી અનિરુદ્ધસિંહ ગોહિલ, દિનેશભાઇ તડવી, નર્મદા નિવૃત કર્મચારી મંડળના પ્રમુખ છગનભાઇ વણકરની ઉપસ્થિતિમા દ્વિતીય" રેવાના મોતી" એવોર્ડ- ૨૦૨૧ સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં દીપ પ્રાગટ્ય બાદ જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપલાના પ્રમુખ શ્રીમતી જ્યોતિબેન જગતાપ અને ટ્રસ્ટી રૂજુતા જગતાપે મહેમાનોનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કર્યું હતું. તેમજ મંત્રી દીપકભાઈ જગતાપે સંસ્થાની રૂપરેખા આપી સંસ્થાનો પરિચય આપ્યો હતો.
  આ પ્રસંગે નર્મદા જિલ્લામાં નિઃસ્વાર્થ ભાવે માનવતાવાદી અભિગમ અપનાવી સમાજની સેવાકીય પ્રવૃત્તિ કરનાર ૧૫ જેટલી વ્યક્તિ તથા સંસ્થાને “રેવાના મોતી- એવોર્ડ ૨૦૨૧ થી એવોર્ડ ટ્રોફી, પ્રમાણપત્ર, પુષ્પ ગુચ્છ આપી, શાલ ઓઢાડી સન્માનિત કરાયાં હતા.

(10:15 pm IST)