Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

સ્વ.અમરસિંહ ચૌધરીએ આદીવાસીઓના વિકાસ પર ફોકસ કર્યો હતો : ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવા

આદિવાસીઓના વિકાસની સાથે આદિવાસીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવે એવા નેતાની જરૂર

રાજપીપળા નગરપાલિકા દ્વારા શહેરની મધ્યમાં “કોલો કાર્પસ” નામના છોડવાઓનું રોપણના કાર્યક્રમ ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.રાજ્યભરમાં પોતાની કોમનો જ મુખ્યમંત્રી હોવો જોઈએ એવી વાતોએ જોર પકડ્યું છે અને વિવિધ કોમના લોકો એવી માંગ પણ કરી રહ્યાં છે, ત્યારે આ મુદ્દે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આદીવાસી મુખ્યમંત્રી હોવો જોઈએ એને હું સમર્થન નથી આપતો પણ એવું હું માનું જરૂર છું.

બિટીપી ધારાસભ્ય છોટુ વસાવાએ પણ માંગ કરી છે કે આદીવાસી સમાજનો જ ગુજરાતનો મુખ્યમંત્રી હોવો જોઈએ.ત્યારે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આદીવાસી સમાજનો મુખ્યમંત્રી, રાજ્યપાલ, વિધાનસભા-લોકસભા સ્પીકર કે રાષ્ટ્રપતિ બની જાય પણ આદીવાસી સમાજના વર્ષો જુના પ્રાણ પ્રશ્નોનો ઉકેલ ન લાવે એવા નેતાની કોઈ જરૂર નથી, આદીવાસી સમાજના લોકો નેતા બને પણ આદીવાસી સમાજનો વિકાસ નથી કરતા એ અયોગ્ય છે.આદિવાસીઓના વિકાસની સાથે સાથે આદિવાસીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવે એવા આદીવાસી નેતાની જરૂર છે.

આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો મુદ્દે સરકારે કાયદો બનાવ્યો અને એ ખોટા સર્ટિફિકેટ રદ કરવા એક કમિટી બનાવી છે.પરંતુ એ કાર્ય ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે.રાજ્યમાં અંબાજીથી ઉમરગામ સુધી આદિવસીઓની વસ્તી વધારે છે.ભૂતકાળમાં સ્વ.અમરસિંગ ચૌધરીએ સમગ્ર ગુજરાતના વિકાસની સાથે સાથે આદીવાસી સમાજના વિકાસ પર ફોકસ કર્યો હતો.આદિવાસીના સિંચાઈનો પ્રશ્ન છે ગુજરાત પેટર્નમાં સુધારાની જરૂર છે અને ડીસેકના પ્લાનિંગમાં ગરબડ થાય છે.આદિવાસીઓના પડતર પ્રશ્ન હજુ પણ ઉકેલાતા નથી.

(8:25 pm IST)