Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

હવે વીજળી બિલ પણ વધશેઃ પાંચ મહિનામાં ચોથી વખત વધ્‍યા

મોંઘવારીએ તો માઝા મૂકી ! : વીજળીમાં યુનિટદીઠ ૨૦ પૈસાનો વધારો કરાયો ફયુઅલ સરચાર્જમાં યુનિટ દીઠ ૨૦ પૈસાનો વધારો રાજયના ૧.૩૦ કરોડ ગ્રાહકોને થશે અસર

અમદાવાદ, તા.૧૩: છેલ્લાં પાંચ મહિનામાં રાજય સરકારે ચોથી વખત ઇંધણ સરચાર્જમાં ૨૦ પૈસાનો વધારો કરીને રૂ. ૨.૫૦ કર્યો છે, જે વીજ વપરાશના દરેક યુનિટ માટે લાગુ પડે છે. આ વધારાની અસર કૃષિ ઉપભોક્‍તા સિવાયના તમામ વર્ગના ગ્રાહકોના વીજ બિલ પર પડશે.

ભૂતપૂર્વ મુખ્‍ય સચિવ અનિલ મુકિમની આગેવાની હેઠળ ગુજરાત ઈલેક્‍ટ્રિસિટી રેગ્‍યુલેટરી કમિશન (GERC) એ તેની માટે જ મંજૂરી આપ્‍યા બાદ FPPPA વધારવામાં આવ્‍યો છે. એક સપ્તાહ પહેલાં એક ખાનગી ન્‍યુઝપેપરે એવો અહેવાલ આપ્‍યો હતો કે, GUVNL એ GERC પાસેથી FPPPAમાં ૩૨ પૈસાના વધારાની માંગ કરી છે. જણાવી દઇએ કે, FPPPAમાં યુનિટ દીઠ ૨૦ પૈસાનો વધારો કરાતા ગુજરાતના ૧.૩૦ કરોડ વીજ જોડાણધારકો પરના વીજબિલમાં વર્ષે રૂ. ૩૨૪૦ કરોડનો વધારાનો બોજ આવશે.

જાન્‍યુઆરીથી માર્ચ ૨૦૨૨ના ત્રિમાસિક ગાળા માટે FPPPAમાં યુનિટદીઠ ૧૦ પૈસાનો વધારો કરી આપ્‍યા બાદ હવે બીજો ૨૦ પૈસાનો વધારો કરી આપવામાં આવ્‍યો છે. આમ છેલ્લાં ચાર જ મહિનામાં FPPPAમાં યુનિટ દીઠ વીજદરમાં ૫૦ પૈસાનો વધારો કરવામાં આવ્‍યો છે. આમ, તો રાજય સરકારની વીજ વિતરણ કંપનીઓએ FPPPAના ફોર્મ્‍યુલા હેઠળ યુનિટ દીઠ રૂ. ૨.૬૨ લેવાના થાય છે. તેમાંથી યુનિટ દીઠ રૂ. ૨.૩૦ વસૂલવામાં આવતા હતા. મે ૨૦૨૨દ્મક તેઓ હવે યુનિટ દીઠ રૂ. ૨.૫૦ વસૂલી શકશે. આથી મે અને જૂન મહિનાના વીજ બિલમાં યુનિટ દીઠ ૨૦ પૈસાનો અને ૨૦૦ યુનિટના વીજ વપરાશકારોને માથે વીજ બિલમાં રૂ. ૪૦ અને ઇલેક્‍ટ્રિસિટી ડ્‍યુટી સાથે રૂ. ૪૫થી ૪૮નો વધારો આવશે.

વીજદરના યુનિટ દીઠ રૂ.૩.૦૫નો સૌથી નીચા સ્‍લેબમાં FPPPAમાં ૪૪ ટકાનો વધારો આવ્‍યો છે. વીજદર ન વધારવાનો દેખાવ કરીને લોકોને માથે ૪૪ ટકાના વધારાનો બોજ નાખી દેવા માટે માત્ર જર્ક જ જવાબદાર છે. ગુજરાતની મોંઘી વીજળી માટે જર્ક જ જવાબદાર છે.

જર્કે એવો દાવો કર્યો છે કે, છેલ્લાં છ વરસથી વીજદરમાં કોઈ જ વધારો કરવામાં નથી આવ્‍યો. પરંતુ બીજી તરફ તેણે એફપીપીપીએના નામે આડકતરી રીતે વીજદરમાં ૪૪ પૈસાનો વધારો કરી દીધો હોવાનું વીજ સેક્‍ટરના નિષ્‍ણાંત કે.કે. બજાજનું કહેવું છે. છેલ્લાં ૨૦ દિવસમાં યુનિટ દીઠ ભાવમાં ૩૦ પૈસાના વધારાના કારણે વીજ ગ્રાહકોને માથે મહિને અંદાજે રૂ. ૨૭૦ કરોડનો વધારાનો બોજ આવશે. નોંધનીય છે કે, સાથે ગેસ અને કોલસાના પણ ભાવ વધી ગયા છે. જેના કારણે પાવર પરચેજ કોસ્‍ટ ઊંચી જશે. આથી જ્‍ભ્‍ભ્‍ભ્‍ વધીને રૂ.૨.૯૮ સુધી પહોંચી જશે.

(2:26 pm IST)