Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

લોકશાહી ચૂંટણી કાર્યક્રમ 21 દિવસ અને શિક્ષણ બોર્ડનો 45થી 65 દિવસ !! : શિક્ષણના હિતમાં સમયગાળો ઘટાડો

ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે બોર્ડને પત્ર લખ્યો

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીનો લાંબો લચક કાર્યક્રમ ઘટાડવા શાળા સંચાલક મંડળે માગ કરી છે.  વિધાનસભા, લોકસભા અને રાજયસભાની ચૂંટણીઓ પણ મતદાર યાદીથી પરિણામ જાહેર થવાની તારીખો વચ્ચેનો સમયગાળો વધુમાં વધુ 21 દિવસ હોય છે. પરંતુ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ 45થી 65 દિવસનો છે ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ અને રાષ્ટ્રપતિ હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા ભાસ્કર પટેલે આ ચૂંટણીનો સમયગાળો ઘટાડવા માટે બોર્ડને પત્ર લખ્યો છે.

ભાસ્કર પટેલે બોર્ડને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ગુજરાત વિધાનસભા, લોકસભા કે પછી રાજયસભાની ચૂંટણીઓમાં પણ મતદાર યાદીથી પરિણામ જાહેરાત સુધીની તારીખો વચ્ચેનો સમયગાળો વધુમાં વધુ 21 દિવસનો કરવામાં આવ્યો છે. પરંતુ બોર્ડની 21મી જાન્યુઆરીએ યોજાનારી સામાન્ય ચુંટણીઓની વિવિધ તારીખો ધ્યાને લઇએ તો 45થી 65 દિવસોનો ચુંટણી કાર્યક્રમ ચાલે છે.

લોકસભા,વિધાનસભાની ચૂંટણીઓ કરતાં પણ વધુ રસાકસી-ધમાલ અને રાજકારણના દાવ પેચ બોર્ડની સામાન્ય ચૂંટણીઓમાં જોવા મળે છે. વિવિધ સંવર્ગના પ્રતિનિધિઓ, મંડળોના ઉમેદવારો, સ્વતંત્ર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગમાં મતદાન પૂર્ણ ના થાય ત્યાં સુધી રાજયની શાળાઓમાં પણ ચુંટણી વાતાવરણના કારણોસર, શાળાઓમાં વર્ગ શિક્ષણ કાર્યને પણ અસર થતી હોય છે.

સામાન્ય ચૂંટણી લડતા ઉમેદવારો દ્વારા ડીનર ડિપ્લોમસી, મેળાવડા અને મતદાતાઓને ભેટ- સોગાદમાં થતાં ખર્ચાઓની હવે વાલીઓ અને સમાજમાં ચર્ચાનો વિષય બને છે. બોર્ડની સામાન્ય ચૂંટણીઓ દરમિયાન ઉમેદવારો દ્રારા અપનાવવામાં આવતા દાવ પેંચથી સમાજમાં બોર્ડ પ્રત્યે નારાજગી પણ જોવા મળે છે. આ સિવાયની ઘણી બધી બાબતો છે,જે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના વહીવટી સ્ટાફ પાસેથી જાણવા મળશે. અમારી આ રજૂઆત બિન રાજકીય અને શિક્ષણને ધ્યાને રાખીને કરાઇ છે. રાજયના શિક્ષણના વિશાળ હિતમાં બોર્ડની આગામી સામાન્ય ચૂટણીનો કાર્યક્રમ મર્યાદિત બનાવવા વિનંતી કરી છે.

(10:39 pm IST)