Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

અમદાવાદમાં રિક્ષાચાલક વધુ પૈસા કમાવવા ડ્રગ્સ પેડલર બન્યો : રૂ,12 લાખના ડ્રગ્સ સાથે બે આરોપીઓ ઝડપાયા

રામોલ વિસ્તારના જનતાનગરમાંથી વધુ એક વાર ડ્રગ્સ ઝડપાયુ:બે પેડલરો છેલ્લા એક વર્ષથી ડ્રગ્સ વેચતા:એસઓજીએ બાતમી આધારે બંને આરોપીઓને 12 લાખના 124 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધા

અમદાવાદ :શહેરમાંથી ડ્રગ્સ પકડાવાનો સિલસિલો હજી યથાવત છે. શહેરના રામોલ વિસ્તારના જનતાનગરમાંથી વધુ એક વાર ડ્રગ્સ ઝડપાયુ છે. બે પેડલરો છેલ્લા એક વર્ષથી ડ્રગ્સ વેચતા હતા. એસઓજીએ બાતમી આધારે બંને આરોપીઓને 12 લાખના 124 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

  એસઓજીએ ઝડપેલા બંને આરોપીઓ ડ્રગ પેડલર છે. જે મુંબઇની એક મહિલા પાસેથી ડ્રગ્સ લાવી ડબલથી વધુ ભાવે લોકોને વેચાણ કરતા હતા. આરોપી અલ્લારખા ઉર્ફે અડુ શેખ અને ઇકબાલખાન પઠાણ મુળ રીક્ષા ચલાવવાનું કામ કરે છે પણ છેલ્લા એકાદ વર્ષથી રીક્ષા ડ્રાઇવીંગના ધંધામાં વધુ કમાણી ન થતા તેઓએ ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યું. આરોપીઓ રામોલના જનતાનગર, દાણીલીમડા અને સારંગપુર પાણીની ટાંકી તથા રિવરફ્રન્ટ પાસે લોકોને ડ્રગ્સ વેચતા હતા.

  આ આરોપીઓ પાસેથી એસઓજીએ 12 લાખનું એમડી જ્રગ્સ કબજે કર્યું છે. જે ડ્રગ્સનો જથ્થો મુબઇના માંડવીની અમરીનખાન પાસેથી લાવતા અને અમદાવાદના અલગ અલગ શહેરોમાં વેચતા હતા.મુંબઇની અમરીન પહેલા અમદાવાદના કોટ વિસ્તારમાં સાસરે રહેતી હતી પણ તેને સાસરામાં કોઇ અણબનાવ બનતા મુંબઇ જતી રહી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ત્યારે આરોપી અલ્લારખા મારામારી, પ્રોહિબિશન, જુગાર અને બોગસ કોલ સેન્ટરના ગુનામાં અગાઉ ઝડપાઇ ચૂક્યો છે, જ્યારે આરોપી ઇકબાલખાન પઠાણ પણ મારામારી અને પ્રોહિબિશનના ગુનામાં પણ ઝડપાઇ ચૂક્યો છે

(12:24 am IST)