Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રખડતા ઢોરને કારણે ટેમ્પોચાલકનું મોત નિપજ્યુ

ઢોર વચ્ચે આવતા ટેમ્પો પલટી ખાઈ જતા યુવકને ગંભીર ઈજા પહોંચી:લાંબી સારવાર બાદ અંતે યુવકનું મોત થયુ

અમદાવાદમાં રખડતા ઢોરને કારણે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ઓઢવમાં રખડતા ઢોરના કારણે ટેમ્પા ચાલકનું મોત થયુ છે. 30 વર્ષિય યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. 19 નવેમ્બરે રખડતા ઢોરને કારણે ટેમ્પો પલટી ખાઈ ગયો હતો. જેમા સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત યુવકનું મોત નીપજ્યુ છે. રખડતા ઢોરની સમસ્યાને કારણે એક આશાસ્પદ યુવકનું મોત નીપજ્યુ છે. ટેમ્પોચાલક યુવકનું લાંબી સારવાર બાદ મોત નિપજ્યુ છે, જેને પગલે ઓઢવ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અગાઉ પણ નવા નરોડા ખાતે રખડતા ઢોરના કારણે એક યુવકનું મોત નિપજ્યુ હતુ અને ત્યારબાદ ઢોર માલિક અને કોર્પોરેશનના જવાબદાર લોકો સામે ગુનો દાખલ કર્યો હતો.

અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવા વર્ષે મળેલી પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીમાં રખડતા ઢોર મુદ્દે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં સગર્ભા અને દુધાળી ગાયોને 5000 રૂપિયા દંડ ભરી ઢોર માલિકો તેમની ગાયો છોડાવી શકશે. ગાયની ઓળખાણ આપી માલધારી પોતાની ગાયો છોડાવી શકાશે. સાથે જ જો બીજી વાર ઢોર પકડાશે તો ઢોર માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવશે અને એક જ ઢોર વધુવાર ઝડપાશે તો ઢોરને ફરી ક્યારેય છોડવામાં નહીં આવે તેવો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવ્યો છે. આ સાથે જ દુધાળી અને સગર્ભા ગાયોને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સગર્ભા ગાયો ઢોરવાડામાં મોતને ભેટતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

(12:23 am IST)