Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

અંકલેશ્વરના માંડવામાં આલકેમ લેબોરેટરીઝમાં સોલ્વન્ટ ટ્રાન્સફર વેળાએ ભીષણ આગ ભભૂકી

સ્ટેટિક્સ ફાયર વખતે પ્લાન્ટમાં રહેલા તમામ 9 કર્મચારીઓનો બચાવ: ગ્લાસ તોડી ધુમાડાને બહાર કાઢતી વખતે એક કર્મચારીને કાચ પગમાં વાગતા ઘવાયો

અંકલેશ્વરના માંડવા નજીક જીવન રક્ષક દવાઓ બનાવતી આલકેમ લેબોરેટરીઝ કંપનીમાં  અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઇ હતી.

માંડવા ગામ નજીક આલકેમ લેબોરેટરીઝનું API ડિવિઝન આવેલું છે. એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડીએન્ટ બનાવતી કંપનીમાં શનિવારે પ્લાન્ટ 3 અને 4 વચ્ચે ઉત્પાદનની પ્રક્રિયા બપોરે 12 વાગ્યાના અરસામાં ચાલી રહી હતી.

જે વેળા સોલ્વન્ટ ટ્રાન્સફર કરતા સમયે સ્ટેટિક ફાયર થયું હતું. સોલ્વન્ટના કારણે આગે જોત જોતામાં મોટું સ્વરૂપ પકડતા જ ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દૂર સુધી ફેલાયા હતા. ઘટનાને લઈ લેબોરેટરીઝમાં ફરજ બજાવી રહેલા 9 કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. તેઓ સલામત રીતે કંપની બહાર દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ ફાયર ફાઈટરોને થતા 3 ફાયર ટેન્ડર સ્થળ ઉપર દોડી આવી એક કલાકની જહેમતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. એક કર્મચારીને સ્મોક બહાર કાઢવા ગ્લાસ તોડતી વેળા કાચ વાગતા ઇજા પોહચી હતી. સ્થળ ઉપર ઇન્ડસ્ટ્રીયલ ફાયર સેફટી એન્ડ હેલ્થે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી

(11:59 pm IST)