Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

ભરૂચના પૂર્વ કોર્પોરેટરની માતા અને પત્ની સાથે સોનું ચમકાવવાના બહાને રૂ. 4.15 લાખની થઇ છેતરપિંડી

બે હિન્દી ભાષી ઠગોએ ઉજાલા કંપનીના નામે ભોળવી સોનુ ચમકાવી આપવાના નામે 9 તોલા સોનાના ઘરેણાં લઈ ફરાર

જુના ભરૂચમાં રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટરની માતા અને પત્નીને બે હિન્દી ભાષી ઠગોએ ઉજાલા કંપનીના નામે ભોળવી સોનુ ચમકાવી આપવાના નામે 9 તોલા સોનાના ઘરેણાં લઈ ફરાર થઇ જતાં ચકચાર મચી જવા પામી છે.

શહેરના લાલ બજાર ગલિયારવાડ વિસ્તારમાં ઉજાલા જાહેરાતની કંપનીના નામે 2 ગઠીયા સાસુ અને પુત્ર વધુને છેતરી ગયા હોવાની ઘટના સામે આવી છે. સોનું ચમકાવી આપવાનું કહી નવ તોલા સોનું મળી કુલ 4.15 લાખની મત્તા લઈ ભેજાબાજો ભાગી જતા મામલો બી ડિવિઝન પોલીસ મથકે પોહચ્યો છે.

ભરૂચ સિટીના લાલ બજાર ગલિયારવાડ વિસ્તારમાં જાહેરાતની કંપનીના નામે બે ઠગ સોનું ચમકાવી આપવાનું કહી નવ તોલા સોનું મળી કુલ 4.15 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. લાલ બજાર ગલિયારવાડમાં રહેતા મંજુલાબેન રામજી ચૌહાણ ગત 8મી ડિસેમ્બરના રોજ પોતાના ઘરે હતા.

દરમિયાન એક યુવાન તેઓના ઘરે આવ્યો હતો જે હિન્દી ભાષા બોલતો હોવાથી મહિલાએ તેઓની પુત્રવધુ અંજલીબેનને બોલાવ્યા હતા. તેઓના ઘરે આવેલ યુવાને ઉજાલા કંપનીની બીજી પ્રોડક્ટ લોન્ચ થઇ છે જેનો ડેમો બતાવવા આવ્યો હોવાનું જણાવ્યું હતું.

(11:57 pm IST)