Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

નર્મદા કિનારે રેતી માફીયાઓ ગેરકાયદેસર રેતી ખનન કરે છે: મનસુખભાઈ વસાવાની કેન્દ્ર સરકારમાં રજૂઆત

રોયલ્ટી વગર રેતી ખનનમાં વપરાતા વાહનો પૂરપાટ જતાં હોવાથી અકસ્માતના ઘણા બનાવો બને છે: રેતી માફિયા તથા મોટા રાજકીય નેતાઓની મીલીભગતને કારણે રાજ્યના અધિકારીઓ કોઈ કાર્યવાહી કરી શકતા નથી: મનસુખભાઈ વસાવા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ફરીથી એક વાર રેતી માફીયાઓ વિરૂદ્ધ મોરચો માંડયો છે. એમણે કેન્દ્ર સરકારના જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલને પત્ર લખી રજુઆત કરી છે કે ગૂજરાતના નર્મદા નદી કિનારે રેતી માફીયાઓ ગેરકાયદેસર રીતે રેતી ખનન કરે છે.એમણે એવો આક્ષેપ પણ લગાવ્યો છે કે રેતી માફિયાઓમાં રેતી ખનનમાં મોટા રાજકીય નેતાઓનો પણ સાથ છે.
ભાજપ સાંસદ મનસુખ વસાવાએ લખેલા પત્રમાં આક્ષેપ કરતાં જણાવ્યું છે કે ગુજરાતના નર્મદા નદીના કિનારે રેતી માફીયાઓ આધુનિક મશીનોથી સરકારી નિયમ વિરુદ્ધ 25 થી 30 ફુટ ખાડા ખોદી રેતી કાઢે છે.જેને લીધે લીલા વૃક્ષો લુપ્ત થઈ રહ્યા છે નર્મદા નદીની સૌદર્ય ખતમ થઈ રહ્યું છે, લોકો એ ખાડામાં ડૂબીને મરી રહ્યા છે.રોયલ્ટી વગર રેતી ખનનમાં વપરાતા વાહનો રસ્તા પરથી પૂરપાટ ઝડપે જતાં હોવાના કારણે અકસ્માતના ઘણા બનાવો બને છે. રેતી ખનનને લીધે આસપાસના લોકોને ઘણી તકલીફ સહન કરવી પડે છે, આસપાસના લોકોએ ઘણાં આંદોલનો પણ કર્યા છે.રેતી ખનનનો મુદ્દો મે સંસદમાં પણ ઉઠાવ્યો હતો, અને કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત સરકારને પત્ર લખી આ મુદ્દે અવગત કર્યા હતા.પરંતુ રેતી માફિયા તથા મોટા રાજકીય નેતાઓની મીલીભગતને કારણે રાજ્યના અધિકારીઓ કોઈ કાર્યવાહી કરી શકતા નથી.અને જો કોઈ કાર્યવાહી કરે છે તો એ પણ ફકત દેખાવા ખાતર કરે છે. મારી રજુઆત છે કે ગુજરાત વાસીઓ માટે નર્મદા નદી કિનારે થતા ગેરકાયદેસર રેતી ખનન પર તાત્કાલિક રોક લગાવવામાં આવે

(11:04 pm IST)