Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

સુરતમાં નિયજ કરેલ વ્યાજદરથી વધુ વ્યાજ વસુલતા ફાઇનાન્સરની ફરિયાદના આધારે ધરપકડ

સુરત, : સુરતના વિવિધ વિસ્તારોમાં જરુરીયાતમંદોની મજબુરીનો ફાયદો ઉઠાવી તેમની પાસેથી તગડું વ્યાજ વસુલતા ફાઈનાન્સરો વિરુદ્ધ સુરત પોલીસે ઝુંબેશ શરૂ કરી છે.તે અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચે નિયત કરેલા વ્યાજદર કરતા વધુ વ્યાજ વસુલતા અને જો વ્યાજે પૈસા લેનાર પૈસા આપવામાં ચૂક કરે કે પરત નહીં કરે તો અગાઉથી લીધેલા ડબલ રકમના ચેકો અને કોરી પ્રોમેસરી નોટમાં લીધેલી રકમ કરતા વધુ રકમ લખી કાયદેસર કાર્યવાહી કરતા કતારગામ દરવાજાના ફાઈનાન્સરને ત્યાં તપાસ કરી તેની ધરપકડ કરી રોકડા રૂ.2.33 લાખ, 24 કોરા ચેક, 36 પ્રોમેસરી નોટ, ત્રણ ડાયરી અને રજીસ્ટર કબજે કર્યા છે.


ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વિવિધ વિસ્તારોમાં જરુરીયાતમંદોની મજબુરીનો ફાયદો ઉઠાવી તેમની પાસેથી તગડું વ્યાજ વસુલતા ફાઈનાન્સરો સામે કાર્યવાહી કરતા ભોગ બનેલા લોકો આગળ આવતા નથી.આથી આવા ફાઈનાન્સરો વિરુદ્ધ સુરત પોલીસે એક ઝુંબેશ હાથ ધરી છે.તે અંતર્ગત સુરત ક્રાઈમ બ્રાન્ચે ગતરોજ કતારગામ દરવાજા મહાવીર કોમ્પલેક્ષ દુકાન નં.10 માં ફાયનાન્સની ઓફીસ ધરાવતા દિલીપ બોદરાને ત્યાં તપાસ હાથ ધરી હતી.નાણાં ધીરનારનું લાયસન્સ મેળવ્યું હોવા છતાં દિલીપ બોદરા જરુરીયાતમંદોની મજબુરીનો ફાયદો ઉઠાવી તેમની પાસેથી નિયત કરેલા વ્યાજદર કરતા વધુ વ્યાજ વસૂલતો હોવાનું તેની ઓફિસમાંથી મળેલા દસ્તાવેજોની તપાસમાં જાણવા મળ્યું હતું.

(5:32 pm IST)