Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

પેટલાદના ચાંગમાં ધો.12માં અભ્યાસ કરતો વિદ્યાર્થીનું અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી

આણંદ : આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ચાંગા ગામેથી ધો.૧૨માં અભ્યાસ કરતા એક સગીરનું અજાણ્યા શખ્શો દ્વારા અપહરણ કરાયું હોવાની ઘટનાએ નાનકડા ગામમાં ભારે ચકચાર જગાવી છે. શાળા સમયમાં રીશેષ દરમ્યાન ઘરે આવ્યા બાદ સાંજે સગીર ઘરે પરત ન ફરતા પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. મહેળાવ પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પેટલાદ તાલુકાના ચાંગા ગામે રહેતા લવેશભાઈ મફતભાઈ  રબારી પશુપાલક છે. તેઓનો ૧૬ વર્ષીય પુત્ર પ્રિન્સ ચાંગા ગામની બી.એમ.પટેલ હાઈસ્કુલમાં અભ્યાસ કરે છે.

 ગત તા.૬ ડિસેમ્બરને મંગળવારના રોજ પ્રિન્સ રબારી રાબેતા મુજબ શાળાએ જવા નીકળ્યો હતો અને બપોરની ૧૨.૦૦ વાગ્યાની રીશેષમાં ઘરે જમવા પરત આવ્યો હતો. ત્યારબાદ તે પુનઃ શાળાએ જવા નીકળ્યો હતો અને બાદમાં શાળા છુટયા બાદ તે ઘરે પરત ફર્યો ન હતો. જેથી પરિવારજનો ચિંતિત બની ગયા હતા અને પ્રિન્સના મિત્ર વર્તુળમાં તપાસ કરતા તે કોઈ અન્ય મિત્રના ઘરે પણ ગયો ન હોવાનું માલુમ પડયું હતું અને બપોરની રીશેષ બાદ પ્રિન્સને શાળામાં જોયો ન હોવાનું મિત્ર વર્તુળ તરફથી જાણવા મળતા પરિવારજનો ચોંકી ઉઠયા હતા. ત્યારબાદ સગાસંબંધીમાં આ અંગે તપાસ કરતા પ્રિન્સનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જેથી આખરે લવેશભાઈ રબારીએ મહેળાવ પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્શો સામે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:32 pm IST)