Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

કપડવંજમાં ઘરમાંથી પિતા-પુત્રીનો મૃતદેહ મળી આવતા અરેરાટી મચી જવા પામી

કપડવંજ, નડિયાદ : કપડવંજ શહેરમાં  વિશ્વાસ આર્કેટ વિંગ-૧ માં રહેતા પિતા-પુત્રીનો મૃતદેહ ઘરમાંથી મળી આવ્યો હતો.જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં આ આપઘાતનો કેસ હોવાનું પોલીસ માની રહી છે. ઘરમાંથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

કપડવંજના રત્નાકર માતા રોડ પર આવેલ વિશ્વાસ આર્કેડ વિંગ-૧ માં પાંચમાં માળે ૫૦૧ નંબરના ફ્લેટમાં રહેતાં ભાવિક અરવિંદભાઈ પટેલે (ઉંમર, વર્ષ આશરે ૪૨) તેની પુત્રી જોયેલ ઉર્ફે જોલી (ઉંમર વર્ષ ૧૦) ને પહેલા ગળું દબાવી મારી નાંખ્યા પછી પોતે છત પરના હુકે  દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘરના ટેબલ પર મૃતક ભાવિકે ચિઠ્ઠી લખી હતી જેમાં જણાવ્યું હતું કે અમે પિતા - પુત્રી આ દુનિયામાં નથી રહેવાના, અમારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરશો. મારી પાસે કોઈ ઉપાય નહોતો.એટલે મેં આ પગલું ભર્યું છે. તો આપ સૌ અમને માફ કરશો. સાથે તેના સગા-વ્હાલાને જાણ કરવા માટે નામ અને મોબાઈલ નંબર પણ ચિઠ્ઠીમાં લખ્યા હતા. ભાવિકભાઈની પત્ની કોરોનાકાળમાં મૃત્યુ પામી હતી. જેથી પિતા પુત્રી એકલા રહેતાં હતાં. પુત્રીની ડેડ બોડીની બાજુમાં ભાવિકભાઈએ તેમની સ્વર્ગસ્થ ધર્મપત્નીનો ફોટો મૂક્યો હતો. પુત્રી સી.ડી.ગાંધી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ધોરણ ત્રણમાં ભણતી હતી. જે દિવાળી પછી સ્કૂલે ગઈ ન હોવાનું પડોશીઓ જણાવી રહ્યા છે.  દશ વર્ષની પુત્રી સાથે પિતાએ આપઘાત કરતા પાડોશીઓ, મિત્ર વર્તુળ તથા ઉપસ્થિત સૌની આંખમાં પાણી આવી ગયા હતાં. આ બનાવની જાણ થતા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.ચૌધરી તથા સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. અને બંનેના મૂર્તદેહ ને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં લઈ જવાની કાર્યવાહી હાથ ધરી હતી. આમ ૧૦ વર્ષની પુત્રી સાથે પિતાએ આપઘાત કરતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. ભાવિકભાઇની પત્ની જીગ્નાબેન ફેશન ડિઝાઇનર હતા. અને નેશનલ પ્લાઝામાં તેમની દુકાન હતી. જીગ્નાબેનનું હાર્ટએટેકથી મોત થયું હતું.

(5:32 pm IST)