Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

પેટલાદના બાંધણી ગામની સીમમાં બે બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં યુવકનું સારવાર દરમ્યાન મૃત્યુ

આણંદ : પેટલાદ તાલુકાના બાંધણી ગામની સીમમાં ગઈકાલ સમીસાંજના સુમારે બે મોટરસાયકલ વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવકનું સારવાર દરમ્યાન કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મહેળાવ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પેટલાદ ખાતે રહેતો ઈમરાનભાઈ શેખ ગઈકાલ સાંજના સુમારે પોતાનું મોટરસાયકલ લઈને રાવલી ગામે યોજાયેલ એક લગ્ન સમારંભમાં હાજરી આપવા નીકળ્યો હતો. સમીસાંજના સુમારે પેટલાદ તાલુકાના બાંધણી ગામની સીમમાં આવેલ પેટ્રોલપંપ નજીકથી તે પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલ અન્ય એક મોટરસાયકલના ચાલકે પોતાનું મોટરસાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ઈમરાનભાઈના મોટરસાયકલ સાથે અથડાવતા બંને યુવકો રોડ ઉપર ફંગોળાયા હતા. 

આ અકસ્માતમાં ઈમરાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી જ્યારે અન્ય મોટરસાયકલના ચાલકને મોઢાના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત બંનેને તુરંત જ સારવાર અર્થે કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં મોડી રાત્રે ઈમરાન શેખનું સારવાર દરમ્યાન કરૂણ મોત નીપજ્યું હતું. આ અંગે મહેળાવ પોલીસે અન્ય મોટરસાયકલના ચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:32 pm IST)