Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

દરેક ચૂંટણી સાથે મારી જવાબદારી વધે છે : પબુભા માણેક

સતત આઠમી ચૂંટણી જીત્યા બાદ ધારાસભ્યએ દ્વારકામાં વિશાળ સભાને સંબોધી

ગુજરાત વિધાનસભા - ર૦રરની ચૂંટણીમાં ૮ર - દ્વારકા કલ્યાણપુર સીટ પરથી પબુભા માણેકે સતત આઠમી વખત જીત મેળવ્યા બાદ યાત્રાધામ દ્વારકામાં વિશાળ જનમેદનીને સંબોધી હતી.

પબુભા માણેકે વિશાળ જનમેદનીને સંબોધતા સૌપ્રથમ શિવશિવ સાથે શરૃ કરી જણાવેલ કે તેઓને સતત મળતી જીતમાં આ ક્ષેત્રના અગ્રણીઓ, સાધુ સંતોની સલાહો તેમજ દરેક સમાજના આગેવાનોની તન-મનથી મળતી સેવા નિરંતર કામ આવી છે. આ વખતની ચૂંટણીમાં જબરદસ્ત સ્પર્ધાવાળી હોવાનું ગણાવીને પણ તેઓએ જણાવેલ કે દ્વારકાધીશમાં વિશ્વાસ હતો કે જીત મળશે જ અને દરેક સમાજના તેમા પણ ખાસ કરીને યુવા વર્ગના જબરદસ્ત સમર્થનથી ફરી એકવાર આ વિસ્તારની સેવાનો મોકો મળ્યો છે. વિરમભાના દિકરા તરીકે પહેલી વાર ૧૯૯૦માં પ્રજાએ કળશ ઢોળ્યો અને વિજયી બનાવ્યો ત્યારથી જવાબદારી શરૃ થઈ હતી જે આજે દરેક ચૂંટણી જીતવાની સાથે મારી જવાબદારીમાં સતત વધારો થયો છે અને દરેક સમાજનો હુ ત્રડણી છું. સૌથી મોટો રાજકારણી શ્રીકૃષ્ણ હતાં જેમણે સર્વના ભલા માટે રાજકારણ રમ્યું હતું જેની શીખ આપણને મહાભારતમાંથી મળે છે.

દ્વારકા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ટુરીઝમ તેમજ યાત્રાધામના સમાનાંતર વિકાસ થાય તે માટેનું દુરંદેશી વિઝન હોવાને લીધે સમગ્ર દ્વારકા ક્ષેત્રમાં છેલ્લાં બે દાયકામાં વિકાસકાર્યોમાં હરણફાળ ભરી છે. ૧૦૦૦ કરોડનો પ્રોજેકટ દ્વારકાના વિકાસ માટે ફાળવાયો છે. અન્ય પ્રોજેકટમાં ડૂબી ગયેલ દ્વારકાની અન્ડરવોટર પ્રદર્શનીના પ્રોજેકટના વિકાસ સાથે આ ક્ષેત્રમાં ટુરીઝમનો સુવર્ણકાળ નરેન્દ્રભાઈ મોદીના વીઝનને કારણે આવનાર છે. પીએમના દિલમાં દ્વારકા હોય જેથી જ શિવરાજપુર બીચ, સિગ્નેચર બ્રીજ જેવા વિકાસકાર્યો દ્વારકામાં કાર્યરત છે અને શિવરાજપુર બીચના વિકાસને કારણે ૧ર૦૦ પરિવારોને રોજીરોટી મળી રહી છે.

ટુરીઝમના વિકાસ સાથે સમગ્ર દ્વારકાનો વિકાસ થનાર છે તેથી જેવી રીતે ઉતરાંચલવાળા કહે છે યાત્રાળુઓ અમારા મહેમાન છે તેવી રીતે અહીંના તમામ સમાજે દ્વારકા આવતા પ્રવાસીઓને અતિથિ દેવો ભવઃ ની ટેક પાળવી પડશે. કારણ કે યાત્રાધામમાં આવતા દરેક યાત્રાળુઓ સુરક્ષિત અનુભવે છે એવી દ્વારકાની છાપ છે. આ સાથે આ ક્ષેત્રને અલગ ઓળખાણ મળે તે માટે શકય હોય ત્યાં સુધી ટૂંક સમયમાં આ વિસ્તારમાં આખુ ઓખામંડળ દર સોમવારે દરેક સમાજ એકજ કલરનો કોમન ડ્રેસકોડ જેના પર શિવ શિવ - હરિહર લખેલું હોય તેવા ડ્રેસમાં જોવા મળે તેવી તેમની નેમ હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. અને સર્વે સમાજનો ફરીવાર પ્રેમ વરસાવવા બદલ ધન્યવાદ માન્યો હતો. (તસ્વીર : દિપેશ સામાણી, દ્વારકા)

(4:05 pm IST)