Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

અદાણી યુનિવર્સિટી ખાતે ઇન્‍ટ્રા-કોલેજ હેકાથોન : ૪૩ ટીમોએ ભાગ લીધો

૨૪ કલાકની હેકાથોનમાં સહભાગી ટીમોએ ટેકનોલોજી અને ટેકનીક્‍સથી ‘ઓપરેશન' પાર પાડયું : વૈશ્વિક પડકારો અંગે માર્ગદર્શન

અમદાવાદ તા. ૧૦ : શહેરની અદાણી યુનિવર્સિટી ખાતે તાજેતરમાં ઇન્‍ટ્રા-કોલેજ હેકાથોનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. IQM કોર્પોરેશનના સહયોગથી ૨૪ કલાક ચાલેલી આ હેકાથોનમાં નાના-મોટા અનેક વ્‍યવસાયોને લગતા જટીલ પડકારો અંગે માહિતી આપવામાં આવી હતી. હેકાથોનમાં જોડાયેલી સંસ્‍થાઓ અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓએ ભવિષ્‍યના પડકારોનો સામનો કરવા એડીચોટીનું જોર લગાવ્‍યું અને આઈટી ક્ષેત્રે વૈશ્વિક પડકારોથી માહિતગાર થયા હતા.

આજના ગ્‍લોબલ ડિજિટલાઈઝેશનના યુગમાં દુનિયાના લગભગ તમામ વ્‍યવસાયો ઈન્‍ફોર્મેશન ટેકનોલોજી (આઈટી)થી સંકળાયેલા છે. તેવામાં અત્‍યાધુનિક ટેકનોલોજી અને ટેકનીક્‍સથી માહિતગાર રહેવું અત્‍યંત આવશ્‍યક બની ગયું છે. આઈટીના વિદ્યાર્થીઓ ભવિષ્‍યના પડકારોનો સામનો કરવા સુસજ્જ થાય તે હેતુથી આ હેકાથોનમાં વિવિધ જાતના ટાસ્‍ક રાખવામાં આવ્‍યા હતા. ૪૩ સહભાગી ટીમોનું માટે ત્રણ કલાકનું પ્રારંભિક મૂલ્‍યાંકન કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ ટોચની ૨૨ ટીમોને અંતિમ સ્‍પર્ધા માટે શોર્ટલિસ્‍ટ કરવામાં આવી હતી.

હેકાથોનની દરેક ટીમમાં અલગ-અલગ કૌશલ્‍ય ધરાવતા વિદ્યાર્થીઓ રાખવામાં આવ્‍યા હતા. જેથી તેઓ પોતાની આવડત અને નબળાઈઓને પારખી શકે. IQM કોર્પોરેશન દ્વારા વિદ્યાર્થીઓના ટાસ્‍ક તૈયાર કરવામાં આવ્‍યા હતા, અને દરેક ટીમને સમસ્‍યાઓના ઉકેલ માટે ૨૪ કલાકનો સમય હતો. તેમના પડકારોને ત્રણ શ્રેણીઓ બીગીનર, ઈન્‍ટરમિડીએટ અને એડવાન્‍સ લેવલમાં વિભાજિત કરવામાં આવ્‍યા હતા.

IQM કોર્પોરેશનના ડાયરેક્‍ટર હર્ષ પટેલ જણાવે છે કે ‘અમે અદાણી યુનિવર્સિટીના ઘણા વિદ્યાર્થીઓની ભરતી કરીએ છીએ. અમે અહીંના વિદ્યાર્થીઓમાં જબરદસ્‍ત ક્ષમતા જોઈ છે. તેઓ હંમેશા નવીન ઉત્‍પાદનો, સેવાઓ અને સિસ્‍ટમો વિકસાવવા આતુર હોય છે. હેકાથોનનું આયોજન આવી અદભૂત પ્રતિભાઓને આગળ લાવવા અને તેમને વૈશ્વિક ટેક્‍નોલોજી અને ટ્રેન્‍ડ્‍સથી માહિતગાર થવા માટેનું ઉત્તમ પ્‍લેટફોર્મ છે.'

અદાણી યુનિવર્સિટીના વિષય નિષ્‍ણાતો અને ત્‍મ્‍પ્‍ કોર્પોરેશનના બીઝનેસ એક્‍સપર્ટ્‍સે દરેક ટીમની કુશળતા અને અંતિમ મોડલના અભિગમનું કાળજીપૂર્વક મૂલ્‍યાંકન બાદ વિજેતા જાહેર કર્યા હતા. વિજેતા ટીમોને પુરસ્‍કાર આપવામાં આવ્‍યા હતા. અદાણી યુનિવર્સિટી વિદ્યાર્થીઓને આવી રસપ્રદ તકો પૂરી પાડવા પ્રતિબદ્ધ છે.

હેકાથોનનો ધ્‍યેય ઇવેન્‍ટના અંત સુધીમાં કાર્યકારી સોફટવેર અથવા હાર્ડવેર બનાવવાનો હોય છે. જેમાં ઉપયોગમાં લેવાતી પ્રોગ્રામિંગ ભાષા, ઓપરેટિંગ સિસ્‍ટમ, એપ્‍લિકેશન, API અથવા વિષય અને પ્રોગ્રામર જૂથનો સમાવેશ થઈ શકે છે.

(4:02 pm IST)