Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

ભૂપેન્દ્રભાઇ પટેલને ફરી રાજતિલક : સોમવારે શપથવિધિ

કઠીન પરિશ્રમ હી સફલતા કી કુંજી હૈ, અથાક પ્રયાસો સે મિલી સફલતા ગુંજી હૈ :ભાજપના ધારાસભ્યોની બેઠકમાં નેતા તરીકે વિધિવત વરણી : સરકાર રચવા રાજ્યપાલ સમક્ષ દાવો : મંત્રીઓની પસંદગી માટે પટેલ - પાટીલ દિલ્હી જશે

અમદાવાદ, તા.૧૦: કમલમ ખાતે મળેલી ધારાસભ્ય દળની બેઠકમાં પૂર્વ મંત્રી કનુભાઈ દેસાઈએ પ્રસ્તાવ મુક્યો હતો. શંકરભાઈ ચૌધરી,પૂર્ણેશભાઈ મોદી, રમણભાઈ પાટકર, મનીષાબેન વકીલે ટેકો જાહેર કર્યો હતો. (કેતન ખત્રી અને ગૌરવ ખત્રી અમદાવાદ).

રાજકોટ તા. ૧૦ : રાજ્યમાં ૧૮૨ પૈકી ૧૫૬ બેઠકો મેળવી ઇતિહાસ સર્જનાર ભાજપ સરકારના નવા મુખ્યમંત્રી તરીકે ફરી વખત ભૂપેન્દ્રભાઇ પટેલની પસંદગી થઇ છે. આજે બપોરે ભાજપના ધારાસભ્યોની બેઠકમાં કેન્દ્રીય નિરીક્ષકોએ આ નામ જાહેર કરતા ધારાસભ્યોએ તેને વધાવી લીધેલ. બીજી વખત મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઇ તા. ૧૨મીએ બપોરે ૨ વાગ્યે ગાંધીનગરમાં શપથ લેશે.

ચૂંટણીમાં જંગી બહુમતી મેળવ્યા બાદ ૧૨ ડિસેમ્બરે નવી સરકારનો શપથગ્રહણ યોજાઈ રહ્યો છે. જોકે, તે પહેલા પ્રક્રિયાના ભાગરૃપે આજે કમલમમાં મળેલી ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર સત્તાવાર મ્હોર મારવામાં આવી હતી. ભાજપના સિનિયર નેતા કનુ દેસાઈએ ભૂપેન્દ્રભાઇ પટેલને સીએમ બનાવવા માટે પ્રસ્તાવ મુકયો હતો, જેનો ધારાસભ્યોએ સ્વીકાર કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, આજે સાંજે ભૂપેન્દ્રભાઇ પટેલ અને સી.આર. પાટીલ નવી દિલ્હી જવા રવાના થશે, જયાં તેઓ પીએમ તેમજ ગૃહમંત્રી સાથે મુલાકાત કરશે. બપોરે મુખ્યમંત્રી સહિતના પ્રતિનિધિ મંડળે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતને મળી સરકાર રચવા દાવો કર્યો હતો. સોમવારે બપોરે ૨ વાગ્યે ગાંધીનગરમાં શપથ સમારોહ યોજાશે.

આજે નવા સીએમનું નામ નક્કી કરવા મળેલી પાર્ટીની બેઠકમાં કેન્દ્રિય નિરીક્ષકો તરીકે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કર્ણાટકના પૂર્વ સીએમ બી.એસ. યેદિયુરપ્પા અને કેન્દ્રિય આદિજાતિ મંત્રી અર્જુન મુંડા હાજર રહ્યા હતા.

ભાજપે ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડબ્રેક ૧૫૬ બેઠકો પ્રાપ્ત કરી છે. પક્ષના તમામ સિનિયર નેતાઓ અગાઉ જ જણાવી ચુકયા હતા કે નવી સરકાર ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં જ બનશે.

નવી સરકારની શપથગ્રહણ વિધિમાં પીએમ નરેન્દ્રભાઇ મોદી ઉપરાંત ભાજપ શાસિત રાજયોના સીએમ પણ હાજર રહેવાના છે. ત્યારે ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે બીજા કોણ-કોણ શપથ લે છે તેના પર પણ સૌની નજર છે. એવું મનાઈ રહ્યું છે કે, નવા મંત્રીમંડળમાં કેટલાક નવા ચહેરાને સમાવી શકાય છે.

(3:33 pm IST)