Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

સ્લમ વિસ્તારમાં કોરોનાની રસી લેનારને અપાયા તેલના પાઉચ

એક લિટરના ૧૦ હજાર તેલના પાઉચ અપાયા હતા : અમદાવાદમાં ૧૬ જાન્યુઆરીથી અત્યાર સુધી મોટાભાગના લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે

અમદાવાદ,  તા.૧૦ : ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૮૧૫૮૫૫ દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ ૧૮૨ છે જેમાં ૫ દર્દી વેન્ટિલેટર પર જ્યારે ૧૭૭ દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં ગઈકાલે નોંધાયેલા કોરોનાના આંકડા પ્રમાણે તાપીમાં વધુ એક મોત થતા કુલ મૃત્યુઆંક ૧૦,૦૮૬ પર પહોંચી ગયો છે. રાજ્યમાં ગઈકાલે કુલ ૪,૦૯,૪૯૪ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં કોવિડ-૧૯થી સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં થયેલા કુલ રસીકરણની વિગતો નીચે મુજબ છે.

અહીં નોંધનીય છે કે અમદાવાદ શહેરમાં તારીખ ૧૬ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં મોટાભાગના લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. શહેરના સ્લમ વિસ્તારમાં રહેતા લોકો વધુને વધુ પ્રમાણમાં કોરોનાની રસી લઈ લે તે માટે એક લિટરના એવા કુલ ૧૦ હજાર તેલના પાઉચ અપાયા હતા. આજે રવિવારે વધુ ૨૦ હજાર તેલના પાઉચ આપવામાં આવ્યા હતા.

ઉપરાંત, શહેરના સ્લમ વિસ્તારમાં રસી લેનારાઓનો લકી ડ્રો કરીને ૨૫ લોકોને વ્યક્તિ દીઠ રૂપિયા ૧૦ હજારની કિંમત સુધીના મોબાઈલ ફોન પણ અપાશે તેવું જાણવા મળ્યું હતું. જ્યારે ઘર સેવા વેક્સિનેશન ઝુંબેશ હેઠળ ૧૦૭૯ લોકોએ રજિસ્ટ્રેશન કરાવતા આ પૈકી ૫૫૫ લોકોને રસી અપાઈ છે.

રાજ્યમાં નાઈટ કર્ફ્યુને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે લીધેલા નિર્ણય મુજબ હવે રાજ્યમાં આગામી ૧૦ નવેમ્બર સુધી ૮ મહાનગરોમાં નાઈટ કર્ફ્યુ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે રાજ્યમાં ૮ મહાનગરોમાં રાતના ૧૨થી સવારના ૬ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ યથાવત રહેશે. ૧૦ નવેમ્બર સુધી આ નાઈટ કર્ફ્યુ યથાવત રાખવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, જૂનાગઢ, જામનગરમાં આગામી ૧૦ નવેમ્બર સુધી નાઈટ કર્ફ્યુ યથાવત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના ૮ મનપા વિસ્તારોમાં નાઈટ કર્ફ્યુને લઈને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

(9:06 pm IST)