Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

યુવતી રૂ.૨.૫૦ લાખ રોકડ અને દાગીના લઈ ફરાર થઈ

પાટણના યુવકે અમદાવાદી યુવતી સાથે કર્યા લગ્ન : લગ્ન બાદ યુવતી થોડો સમય સુધી યુવક સાથે રહી અને વિશ્વાસ જીતીને દાગીના તેમજ રોકડ લઈ જતી રહી

અમદાવાદ,  તા.૧૦ : લગ્ન એક પવિત્ર બંધન છે. આપણે મોટભાગે લગ્નમાં દહેજ અને સાસિરિયાના ત્રાસના મુદ્દે સમાજમાં ચર્ચા કરતા રહ્યા છે. જોકે સમાજમાં સ્ત્રી બાળક અને પુરુષ બાળક વચ્ચેના ભેદભાવથી બંનેના જન્મદરમાં ઉદભવેલા તફાવતથી ઘણા યુવકો મોટી ઉંમર સુધી કુંવારા રહી જતા હોય છે. ત્યારે આવા યુવકો લગ્નની ઇચ્છામાં ઘણીવાર ચાલાક ગેંગનો શીકાર પણ બનતા હોય છે. આવી લૂટેરી દુલ્હનની રીતસરની ગેંગ ચાલતી હોય છે જે આસપાસમાંથી આવા જ મુરતિયા શોધી રહ્યા હોય છે. લૂટેરી દુલ્હનના અનેક કિસ્સા પછી પણ લોકો સમાજમાં માન સમ્માન અને મોભો જાળવવા માટે લગ્નના આગ્રહને વશ થઈને આવા લેભાગુઓની ચાલમાં ફસાય છે. જેમ લગ્નમાં દહેજ લેવું ગુનો બને છે તે જ રીતે રુપિયા દઈને કોઈ યુવતી સાથે લગ્ન કરવા પણ ખોટી બાબત છે.

તાજેતરમાં સામે આવેલી આવી જ એક ઘટનામાં ચાણસ્મા તાલુકાના જીતોડા ગામના યુવકના લગ્ન અમદાવાદ ઓઢવના ચાર શખ્સોએ એક યુવતી સાથે કરાવવાની વાત કરી રૂ.૨.૫૦ લાખ આપી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. લગ્ન બાદ યુવતી થોડ સમય સુધી યુવક સાથે રહી અને વિશ્વાસ જીતીને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૂ.૩.૧૦ લાખ લઈ જતી રહી હતી. જે બાદ ફરી પરત ન આવતાં યુવાનને સમજાયું હતું કે તેની સાથે તો ગેમ કરી નાખવામાં આવી છે.

બનાવની મળતી માહિતી મુજબ ચાણસ્માના જીતોડા ગામે રહેતાં રાધેશ્યામ પટેલ (ઉં. ૨૭) પ્રાઇવેટ નોકરી કરે છે. તેણે લગ્ન માટે જીતોડાના બાબુભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. ૮ જુન ૨૦૨૧ના અમદાવાદના ઓઢવ ખાતે રહેતાં શિવાનીબેન અશોકભાઈ, અશોકભાઈ દિલીપભાઈ અને બળદેવભાઈ રાધેશ્યામના ઘરે આવી રૂ.૨.૫૦ લઈ રાધેશ્યામ અને શિવાનીબેન સગાઈ કરી હતી. રાધેશ્યામે અશોકભાઈને બીજા રૂ.૫૦ હજાર આપ્યા બાદ ૧૪ જૂને અમદાવાદ ક્રિષ્ના મેરેજ બ્યુરોમાં વિધિવત લગ્ન કર્યા હતા. રાધેશ્યામે શિવાનીને રૂ.૪૦ હજારનો ૧ તોલા સોનાનો દોરો પહેરાવ્યો હતો અને બાકીના રૂ.૨ લાખ નક્કી થયા પ્રમાણે આપ્યા હતા. લગ્ન બાદ શિવાની રાધેશ્યામના ઘરે આવ્યા બાદ બુટ્ટી,ચુની,પગની શેરો માંગ કરતાં રાધેશ્યામે રૂ.૨૦,૦૦૦ દાગીના લાવીને આપ્યા હતા. ૪ દિવસ બાદ શિવાનીનો ભાઈ હસમુખ તેના પિતા અશોકભાઈ તેડવા આવ્યા હતા. ૪-૫ દિવસ પછી તેડવા આવવાનું કહ્યું હતું. ૫ દિવસ પછી શિવાની અને તેના પિતાનો સંપર્ક કરતા ફોન બંધ આવતાં રાધેશ્યામ અમદાવાદ તેડવા જતાં તેનું ઘર બંધ હતું. પડોશીઓની પુછતાં જાણવા મળ્યું કે આ લોકો બીજે રહેવા ગયા છે ક્યાં ગયા ખબર નથી. ત્યારે રાધેશ્યામ ત્યાંથી બહાર નીકળતાં સંબંધ કરાવનાર બળદેવભાઈને જોઈ ગયો હતો જેકે તેઓ રાધેશ્યામને જોઈ જતાં ભાગી ગયા હતાં. તેમને પણ ફોન કરતાં તેમનો ફોન પણ બંધ આવતો હતો.બાદમાં રાધેશ્યામને જાણવા મળ્યું હતું કે આ લોકો ખોટી રીતે લગ્ન કરાવી પૈસા પડાવે છે. આ બાબતે ચાણસ્મા પોલીસ મથકે અમદાવાદ ઓઢવના અશોકભાઈ દિલીપભાઈ પટેલ, બળદેવભાઈ સાકળદાસ પટેલ, શિવાની અશોકભાઈ પટેલ, હસમુખ અશોકભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.

(6:57 pm IST)