Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

સુરતનો કિસ્સો: માતા-પિતાને ઘેનની દવા પીવડાવી પુત્રી પ્રેમી સાથે ફરાર

ડિંડોલી પોલીસ દ્વારા પુત્રી ખુશ્બુ તેના પ્રેમી સચિન મોરે અને પ્રેમીના પિતા અશોક મોરે વિરુદ્ધ ગુનો નોંધ્યો

સુરત: શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી કણકુંજ સોસાયટીમાં રહેતા દીપક જગન્નાથભાઇ વણઝારા હાલ બેકાર છે. ૧૨મી સપ્ટેમ્બરના રોજ સાંજના સુમારે તેમની દીકરી ખુશબૂએ ઘરમાં આલુ પરાઠા બનાવ્યા હતા. દીકરીએ બનાવેલા પરાઠા પિતા દીપકભાઈ અને માતા અંજનાબેને ખાધા હતા અને રાત્રે પરિવારના સભ્યો સૂઇ ગયા હતા.

બાદમાં 13મી તારીખે સવારે દીપકભાઇ જાગ્યા તો તેમને ચક્કર આવ્યા હતા. જયારે પત્નીને જગાડી તો તેમને પણ ચક્કર અને માથું દુઃખતું હોવાની ફરિયાદ કરી હતી. આ ઉપરાંત, પતિ-પત્નીને ઊલટીઓ પણ થવા લાગી હતી. બાદમાં તેઓને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન, પુત્રી ખુશ્બુ ગાયબ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, ખુશબૂનું સચિન મોરે નામના યુવક સાથે અફેર ચાલે છે.

પ્રેમી સચિન અને તેના પિતા અશોક મોરેના કહેવાથી ખુશ્બુ મેડિકલ સ્ટોરમાંથી ઘેનની ગોળીઓ લઇ આવી હતી. તે સચિન સાથે ભાગી જવાની હોવાથી ગોળીઓનો ભૂક્કો કરી પરાઠાના લોટમાં મિક્સ કરી દીધો હતો. જે પરાઠા તેણે તેના માતા-પિતાને ખવડાવી દીધા હતા. રાત્રિના સમયે પરિવારના સભ્યો ઘેનના કારણે ભરઊંઘમાં હતા. જેનો ફાયદો ઉઠાવીને સોસાયટીના નાકે ઊભેલા સચિન સાથે બાઇક પર બેસી છુમંતર થઇ ગઇ હતી. ડિંડોલી પોલીસ દ્વારા પુત્રી ખુશ્બુ તેના પ્રેમી સચિન મોરે અને પ્રેમીના પિતા અશોક મોરે વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જે પૈકી અશોક મોરેની અગાઉ અટક કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

(6:55 pm IST)