Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

હવે રાજ્યના ખેડૂતો દરિયા કિનારાના વિસ્તારોમાં ખેતી કરશે: સી-વીડ ફાર્મિંગનો એક નવો કન્સેપ્ટ

ખેતી માટેના પાકને વિકસાવવા રાજ્ય સરકારે એક યોજના બનાવી

ગાંધીનગર: ગુજરાતમાં ખેતીની જમીન ઘટતી જાય છે અને નવી જમીન પેદા થતી નથી ત્યારે ગુજરાતમાં એક નવો કન્સેપ્ટ શરૂ થઇ રહ્યો છે. હવે ગુજરાતના ખેડૂતો દરિયા કિનારાના વિસ્તારોમાં ખેતી કરશે. આ ખેતી માટેના પાકને વિકસાવવા રાજ્ય સરકારે એક યોજના બનાવી છે. વિશ્વના એવા દેશો કે જ્યાં દરિયા કિનારે ખેતી થાય છે તેના અહેવાલ મંગાવવામાં આવશે.

ગુજરાતનો 1600 કિલોમીટરનો દરિયાકિનારો ખાલી પડ્યો છે. બંદર વિસ્તારને છોડી દઇએ તો દરિયાનો બીજો ઘણો ભાગ એવો છે કે જ્યાં કોઇ એક્ટિવિટી થતી નથી. સી-વીડ ફાર્મિંગ એક નવો કન્સેપ્ટ છે. જાપાન, કોરિયા, ચીન, ફિલિપિન્સ અને ઈન્ડોનેશિયા જેવા દેશોમાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે. પરંતુ હવે ગુજરાતમાં પણ સમુદ્રી ઘાસ સહિત અન્ય પાકોની ખેતી કરવામાં આવશે.

ભાવનગરમાં આવેલી સેન્ટ્ર્લ સોલ્ટ એન્ટ મરીન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ દ્વારા ખેડૂતોને ટ્રેનિંગ આપવામાં આવી છે, જેમાં ગીર-સોમનાથ પાસે આવેલા સિમર અને રાજપરા ગામના દરિયાકિનારે ઘાસની ખેતી કરવાનું શીખવવામાં આવ્યું છે. આ પ્રક્રિયામાં એક સાયકલ પૂરી થતા 40 દિવસનો સમય લાગે છે. આ ખેડૂતોએ બે સાયકલમાં ભેગા મળીને 1.15 લાખ રુપિયા કમાણી કરી છે અને 5.9 ટન ડ્રાય સી વીડની ખેતી કરી છે.

2020ના અંત સુધીમાં કુલ 300થી વધુ ખેડૂતોને ટ્રેનિંગ આપવામાં આવશે. આ સંસ્થાને ટ્રેનિંગ આપવા માટે નેશનલ ફિશરીઝ ડેવલોપમેન્ટ બોર્ડ તરફથી બે કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે. આ ખેતી પછી હવે બીજી પરંપરાગત ખેતી માટે એગ્રી નિષ્ણાંતો વિચારી રહ્યાં છે જેમાં શાકભાજી અને ફુલોની ખેતી મુખ્ય છે. દરિયા કિનારે થતાં કૃષિના પાકોની સમજ આપીને નિષ્ણાંતો નવો કન્સેપ્ટ વિકસાવી રહ્યાં છે. રાજ્યના બંદર વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે રાજ્ય સરકારના નિર્ણય પછી અમે એવા વિસ્તારો શોધી રહ્યાં છીએ કે જ્યાં ઘાસ અને અન્ય પાકોની ખેતી થઇ શકે.

(8:56 pm IST)