Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

અમદાવાદ :LIC એજન્ટે જીવિત પત્નીને મૃત બતાવી રૂ. ૧૫ લાખનો વીમો ક્લેઇમ કરાવી લીધો : ફરિયાદ

એજન્સીમાં વારસદાર તરીકે પત્નીનું નામ ચાલુ રાખ્યું હોવાની હકીકત બહાર આવતા ભાંડો ફૂટ્યો

અમદાવાદ : મણિનગર વિસ્તારમાં રહેતા અને રિલીફ રોડ પર એલઆઈસી બ્રાન્ચમાં એજન્ટ યુવકે પત્નીનું કોર્પોરેશનનું ખોટું સર્ટિફિકેટ એલઆઈસી કંપનીમાં રજૂ કરી રૂ. ૧૫ લાખનો વીમો ક્લેઇમ કરી પૈસા મેળવ્યા હતા. કંપનીના ઓડિટ દરમિયાન એજન્સીમાં વારસદાર તરીકે પત્નીનું નામ ચાલુ રાખ્યું હોવાની હકીકત બહાર આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. એલઆઈસીના અધિકારીએ આ મામલે કારંજ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે એજન્ટ સામે વધુ તપાસ શરૂ કરી છે.

  આ અંગેની વિગત મુજબ શહેરના મણિનગર વિસ્તારમાં રહેતો પરાગ પારેખ છેલ્લાં ઘણા સમયથી રિલીફ રોડ પર આવેલી એલઆઈસીની બ્રાન્ચમાં એજન્ટ છે.૨૦૧૨માં પરાગે તેની પત્ની મનીષાના નામે એલઆઈસીની રૂ. ૧૫ લાખની ટર્મ ઇન્સ્યોરન્સ પોલિસી લીધી હતી. ૨૦૧૬માં પરાગે પોતાની પત્ની મનીષાનું અવસાન થઈ ગયું હોવાનું એએમસીનું સૈજપૂર બોધા વોર્ડનું ડેથ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. જેના આધારે એલઆઈસીએ ૧૪.૯૬ લાખની રકમ તેના એકાઉન્ટમાં જમા કરી દીધી હતી. જુલાઈ ૨૦૨૦માં કંપનીનું ઓડિટ ચાલતું હતું. ઓડિટ દરમિયાન સામે આવ્યું હતું કે મનીષા પારેખની ડેથ સર્ટિફિકેટ શંકાસ્પદ છે અને પરાગની એજન્સીના વારસદાર તરીકે તેની પત્ની મનીષાનું નામ ચાલુ છે.૨૫ લાખની પોતાની ટર્મ ઇન્સ્યોરન્સ પોલિસી પણ ગાંધીનગર ખાતે ટ્રાન્સફર કરાવી હતી જે શંકાસ્પદ જણાઈ હતી. જેથી તપાસ કરતા પરાગે કંપનીમાં પત્ની જીવિત હોવા છતાં તેનું કોર્પોરેશનનું ખોટું ડેથ સર્ટિફિકેટ પોલિસીના ડેથ ક્લેમ માટે રજૂ કરી રૂ. ૧૫ લાખ મેળવી છેતરપીંડી કરી હોવાનું બહાર આવ્યું હતું. જેથી એલઆઈસીના અધિકારીએ આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

(8:12 pm IST)