Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

લે બોલો ! પોલીસ સ્‍ટેશનમાંથી થઇ ગાડીની ચોરીઃ પોલીસની દોડધામ પછી સાબિત થયુ કે કાર માલિક જ ચોર છે

અમદાવાદ: રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનના પાર્કિંગમાંથી પોલીસે એમ.વી.એકટ 185 મુજબ જમા લીધેલી કાર ગણતરીના કલાકોમાં ચોરી થઈ જતાં પોલીસ સ્ટાફમાં દોડધામ મચી હતી. સિક્યુરિટી ગાર્ડ સહિત અનેક લોકોની પૂછપરછ અને કલાકોની દોડધામ બાદ જાણવા મળ્યું કે, કારનો માલિક જ ચોર છે.

પોલીસે સિક્યુરિટી ગાર્ડને કાર માલિકનો ફોટો બતાવતા ફોટોવાળી વ્યક્તિ જ કાર લઈ ગયાનું ગાર્ડે પોલીસને જણાવ્યું હતું. આખરે પોલીસે કાર માલિક વિરુદ્ધ પોતાની જ કારની ચોરી કરવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પોલીસે જમા લીધેલી કાર માલિકે કેમ કરી? તે આરોપી ના પકડાય ત્યાં સુધી પોલીસ માટે કોયડા સમાન છે.

 રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના સામેના પાર્કિંગમાં પોલીસ સ્ટાફ કબ્જે લીધેલ વાહનો, પોલીસના ટુ વ્હીલર, રિક્ષાઓ વગેરે પાર્ક કરે છે. ગત તા.8મીના રોજ રિવરફ્રન્ટ પોલીસે એમવી એકટ 185 મુજબ ગ્રાન્ડ આઈ 10 કાર રૂ.3 લાખની કબ્જે લઈ પોલીસ સ્ટેશનની સામે આવેલા પાર્કિંગમાં પાર્ક કરી હતી. આ દરમિયાનમાં શુક્રવારે રાત્રે 8 વાગ્યે પોલીસ શિફ્ટ બદલાતી હોય, તે સમયે પોલીસ કર્મચારીઓનું ધ્યાન ગયું હતું કે, ગુરુવારે જમા લીધેલી કાર ગાયબ થઈ છે.

પોલીસે જમા લીધેલી કાર ગાયબ થઈ જતા સ્ટાફે કાર શોધવા દોડધામ કરી મૂકી હતી.રિવરફ્રન્ટમાં સ્થળ પર દેખરેખ માટે મૂકવામાં આવેલા પેંથર કંપનીના ગાર્ડ શોહિલ અબ્દુલ મન્સૂરીને પોલીસે પૂછતાં તેણે લાલ ટિ શર્ટ, જીન્સ પહેરેલો ઘઉંવર્ણનો મજબૂત બાંધાનો અને નાના વાળ વાળો યુવક કાર લઈ ગયાનું જણાવ્યું હતું.

આથી પોલીસે નરોડા વિસ્તારના ગેલક્ષી સિનેમા પાસે અજંતા ઇલોરા ફ્લેટમાં રહેતાં યજ્ઞેશ ધનેશ પટેલ સામે એમવી એક્ટ 185 મુજબ ગુનો નોંધી તેની આઈ 10 કાર જમા લીધી હતી.પોલીસે કાર જમા લીધી તે સમયે આરોપી યજ્ઞેશનો ફોટો લીધો હતો. જે મોબાઈલમાં લીધેલો ફોટો સિક્યુરિટી ગાર્ડ સોહિલને પોલીસે બતાવ્યો હતો. સોહિલએ આ જ યુવક કાર લઈ ગયાનું પોલીસને જણાવ્યું હતું.

રિવર ફ્રન્ટ વેસ્ટ પોલીસે કારની ચોરી અંગે તેના માલિક યજ્ઞેશ વિરુદ્ધ પોતાની જ કાર પોલીસ કસ્ટડીમાંથી ચોરી જવા અંગેનો ગુનો નોંધ્યો હતો. આમ આરોપી યજ્ઞેશ પટેલ વિરુદ્ધ એક જ પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાયા હતા.

(5:05 pm IST)