Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

અમદાવાદમાં હોર્સ રાઇડીંગ ક્‍લબનું ઉદ્‌ઘાટન કરતા ગૃહ રાજ્‍યમંત્રી પ્રદિપસિંહ જાડેજાઃ હવે ઘોડેસ્‍વારીની તાલીમ લઇ શકાશે

અમદાવાદ: શહેરનાં શાહીબાગ વિસ્તારમાં આવેલા ઘોડા કેમ્પમાં પોલીસ હોર્સ રાઇડિંગ ક્લબ શરૂ કરવામાં આવી છે. ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ લીલી ઝંડી બતાવી ફ્લેગ ઑફ કરાવી ક્લબનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં સામાન્ય ફીમાં કોઇ પણ નાગરિક ઘોડો ચલાવતા શીખી શકશે. જે માટે ત્રણ મહીનાની તાલીમ પણ આપવાની જાહેરાત કરાઇ છે.

નોંધનીય છે કે, શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા ઘોડા કેમ્પમાં પોલીસ હોર્સ રાઈડિંગ કલબ શરૂ કરવામાં આવી છે. જેને પ્રદિપસિંહ જાડેજાએ લીલી ઝંડી બતાવી ફ્લેગ ઑફ કરાવી આ ક્લબનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્રણ મહિનાની એક બેન્ચ પણ શરૂ કરવામાં આવી છે. અહીં ત્રણ-ત્રણ મહિનાની તાલીમ આપવામાં આવશે. એક બેંચમાં 10 જેટલાં હોર્સ રાઈડરને અહીં તાલીમ આપવામાં આવશે.

હોર્સ રાઈડિંગ ક્લબથી 7 લોકોએ તાલીમ લઈને રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યાં

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પહેલા અહીં ઘોડા કેમ્પમાં ટ્રેનિંગ ચાલતી હતી પરંતુ વચ્ચે બંધ કરી દેવાઈ હતી. પરંતુ હવે અહીં જેને પણ અશ્વની તાલીમ લેવી હોય તેઓએ ફોર્મ ભરી જે રીતે બેંચ ફાળવાય તેમ તાલીમ અપાશે. આ હોર્સ રાઈડિંગ ક્લબથી 7 લોકોએ તાલીમ લઈને રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યાં છે.

સોશિયલ મીડિયાનાં જમાનામાં વ્યાયામ, યોગ અને સ્પોર્ટ્સ એક્ટિવિટી ઘટે છે. તેમાં હોર્સ રાઈડીગ તાલીમ મેળવશે તો તેનું ઘડતર થશે. સાચા અર્થમાં પોલીસ અને પ્રજા વચ્ચે સેતુ બંધાશે. પોલીસે કોરોનામાં લોકોની વચ્ચે રહીને ખૂબ સારું કામ કર્યું છે. પોલીસે ફ્રન્ટ વોરિયર તરીકે કામ કર્યું છે. હોર્સ રાઈડિંગ પણ પોલીસ અને પ્રજા વચ્ચે સેતુ બનશે. અશ્વ તાલીમનાં માધ્યમથી જે યુવક-યુવતી હોર્સ રાઈડિંગ કરવા ઇચ્છતા હોય તેઓ જોડાઈ શકે છે.

રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ પણ જણાવ્યું હતું કે, “પોલીસ દળમાં 600 અશ્વો સામેલ છે. 13 જિલ્લામાં આ રાઈડિંગ સ્કૂલ શરૂ કરવામાં આવશે. અહીં નોર્મલ ફી રાખવામાં આવી છે અને બેઝિક તેમજ એડવાન્સ તાલીમ આપવામાં આવશે. 135 નવા અશ્વો ખરીદવામાં આવશે. જેમાં 50 જેટલાં અશ્વો ખરીદાઈ ગયા છે.

(5:03 pm IST)