Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

સુરતમાં કિડનીની બિમારીથી પીડિત 53 વર્ષીય રમાબેને કોરોનાને હરાવ્‍યોઃ 11 વખત ડાયાલીસીસ કરાવી ચૂક્‍યા છે છતાં ફરી તંદુરસ્‍ત થયા

સુરત: કોરોનાગ્રસ્ત દર્દીઓમાં કોમોર્બિડીટી (અન્ય કોઇ પ્રકારની બીમારી) ધરાવતાં દર્દીઓને ખાસ પ્રકારની સારવારની જરૂર પડતી હોય છે. કિડનીની બીમારીવાળા દર્દીઓ જેમાં ક્રોનિક કિડની ફેલ્યોર ધરાવતાં દર્દીઓને નિયમિતપણે ડાયાલિસીસ કરવામાં ન આવે, તો  જોખમ ઉભું થાય છે.

નવી સિવિલ હોસ્પિટલમાં કિડની ફેલ્યોર અને ઝેરી કમળાની બીમારીથી પીડાતા 53 વર્ષીય કોરોનાગ્રસ્ત રમાબેનને 27 દિવસની સારવારમાં 11 વખત ડાયાલિસિસ કરાયું હતું. સઘન સારવારના કારણે કોરોનામુક્ત બની સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. મૂળ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સાંતલપુર ગામના વતની રમાબેન દુધાત્રા, હાલ સુરતના અમરોલી વિસ્તારના સહજાનંદ સ્ક્વેરમા પરિવાર સાથે રહે છે.

આ અંગે પુત્ર કેવિનભાઈ દુધાત્રાએ જણાવ્યું કે, “માતાની બંને કિડની ફેઈલ હોવાથી છેલ્લા 3 વર્ષથી ડાયાલિસિસ ચાલે છે. એવામાં કોરોનાના લક્ષણ અને શ્વાસ લેવામાં તકલીફ થતાં કોસાડ આરોગ્ય કેન્દ્રમાં કોરોનાનો રિપોર્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા. કોવિડ વોર્ડમાં ડાયાલિસિસ કરવામાં આવતું હતું. તબીબોની મહેનતથી માતાને નવું જીવન મળ્યું છે. અમારો પરિવાર સિવિલનો હંમેશા ઋણી રહેશે.

15 લીટર NRBM- નોન રિબ્રિધર ઓક્સિજન માસ્ક પર 4 દિવસ રાખવામાં આવ્યાં

સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ફરજ પરના ડૉ.અજય પરમારે જણાવ્યું કે, “કિડની ફેલ થવાની સ્થિતિમાં ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટ જ એક માત્ર સહારો છે. સપ્તાહમાં 3 વખત કિરણ હોસ્પિટલ ખાતે તેઓ ડાયાલિસિસ કરાવે છે. એવામાં રમાબેનને કોરોનાનું ઇન્ફેકશન થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા, ત્યારે તેમનું ઓક્સિજન લેવલ ઘટીને 60 થી 70 ટકા જેટલું  હતું. જેથી તેમને 15 લીટર NRBM- નોન રિબ્રિધર ઓક્સિજન માસ્ક પર 4 દિવસ રાખવામાં આવ્યા.

ડાયાલિસિસની સાથે કોરોનાની સારવાર કરતા તંદુરસ્તીમાં સુધારો આવ્યો. 19 દિવસ સાદા ઓક્સિજન પર રહ્યાં બાદ 4 દિવસ નોર્મલ રૂમ એર મોનિટરીંગ હેઠળ રાખવામાં આવ્યા. સંપૂર્ણ સ્વસ્થ થઈ જતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં.

ડો. પરમારે વધુમાં જણાવ્યું કે, “રમાબેનની સારવાર દરમિયાન એક વાર પ્લાઝમાનું સફળ ટ્રાન્સફ્યુઝન પણ કરવામાં આવ્યું. આ સાથે તેમને હિપેટાઈટિસ સી એટલે કે ઝેરી કમળાની પણ અસર હતી. જે એક વાયરલ ઇન્ફેક્શન અને લિવર સંબંધિત બીમારી હોવાથી ઘણી વાર લિવરને પણ ગંભીર ક્ષતિ પહોંચાડે છે. અમારી ટીમે માત્ર કોરોના સામે જ નહીં, પણ અન્ય ગંભીર બીમારી સામે લડીને વિજયી બનવાનું હતું. જેમાં સિવિલ હોસ્પિટલના તબીબોની ટીમે દિવસ-રાત એક કરીને રમાબેનની એક-એક બીમારીને પહોંચી વળવામાં સફળ રહ્યા એની અમને ખુબ ખુશી છે. નવી સિવિલમાં અન્ય ગંભીર બીમારી ધરાવતા કોરોના દર્દીઓની સારવાર ખૂબ જ સફળ રહી છે.

(5:00 pm IST)