Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

ગાંધીનગર: સાબરમતી નદીમાં વહેલી સવારે ભૂસ્તર તંત્રની ટીમે દરોડા પાડી ગેરકાયદેસર રેતીનું ખનન કરતા ત્રણ ટ્રેકટર જપ્ત

ગાંધીનગર:સાબરમતી નદીમાં પાણી ઓસર્યા બાદ હવે એકઠી થયેલી રેતી ચોરવા માટે રેતી ચોરો સક્રિય થયા છે ત્યારે આજે વહેલી સવારે ભુસ્તર તંત્રની ટીમે ઈન્દ્રોડા પાસે દરોડો પાડીને નદીમાં ગેરકાયદેસર રીતે રેતીની ચોરી કરતાં ત્રણ ટ્રેકટર ઝડપી પાડીને ર૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી દંડ માટેની કામગીરી શરૂ કરી દીધી છે. રાત્રીના સમયે ચોરો સક્રિય થતાં હવે ભુસ્તર તંત્રએ પરોઢીયે દરોડા પાડવાની કામગીરી શરૂ કરી છે.    

ચોમાસાની વિધિવત વિદાય બાદ નદીમાંથી ભરાયેલા પાણી ઓસરવા લાગ્યા છે. ત્યારે સ્થિતિમાં પાણીના આવરા વચ્ચે ખેંચાઈ આવેલી નવી રેતી હાલ રેતી ચોરો માટે આશિર્વાદરૂપ બની ગઈ છે. ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં રાત્રીના સમયે ગેરકાયદેસર રીતે ખનીજ ચોરીના કિસ્સા વધી રહયા છે ત્યારે જિલ્લા ભુસ્તર તંત્રની ટીમે તેની સામે લાલ આંખ કરવાની શરૂ કરી છે અને આજે વહેલી પરોઢે ઈન્દ્રોડા નજીક સાબરમતી નદીના પટમાં દરોડો પાડીને ગેરકાયદેસર રીતે રેતી ચોરતાં ત્રણ ટ્રેકટર ઝડપી લીધા હતા. ર૦ લાખનો મુદ્દામાલ સીઝ કરીને દંડની કામગીરી શરૂ કરી છે. ત્યારે કોરોનાના સંક્રમણ વચ્ચે જાન્યુઆરીથી સપ્ટેમ્બર મહિના સુધીમાં રેતી ચોરીના ૪૩ કેસ કરીને ૯૫ વાહનો પકડવામાં આવ્યા છે. તેમજ રેતી સંગ્રહના પણ ૧૪ કેસ કરીને ૧૧.૬૦ લાખની વસુલાત કરવામાં આવી છે. આમ સમયગાળા દરમ્યાન ભુસ્તર તંત્રએ .૬૦ કરોડની વસુલાત કરી છે

(4:42 pm IST)