Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

નવરાત્રિ રદઃ કલાકારો-તબીબોની લડાઇ હવે સોશિયલ મીડિયા પર

નવરાત્રીમાં ગરબાના આયોજનને પરવાનગી ન મળવાને મુદ્દે સોશિયલ મીડિયા પર વિવાદ

અમદાવાદ, તા.૧૦ : ગઇકાલે ગુજરાત સરકારે જાહેર કરેલી ગાઇડ લાઇનમાં નવરાત્રીથી લઇને દિવાળી સુધીના તહેવારો પર પ્રતિબંધ મૂકાયો છે જેને પગલે છેલ્લા ત્રણ મહિનાથી તૈયારીઓ કરી રહેલા કલાકારોનો આક્રોશ ખૂલીને સામે આવ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર બાબત વિવાદે ચઢી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને લઇને વધુ સંક્રમણ ન ફેલાય એ મુદે કેટલાક ડોકટરો સહિત અમદાવાદ મેડીકલ એસોસીએશન સતત વિનંતી કરી રહ્યું હતું કે, આ વર્ષે કોરોના સંક્રમણને ધ્યાને રાખતા રાજય સરકાર જો ગરબાની પરવાનગી ના આપે તો બધા માટે હિતાવહ રહેશે. નહિ તો પરિસ્થિતિ કથળશે, અને કોરનાના જો કેસ વધશે તો દર્દીઓની સારવાર કરવા માટે મુશ્કેલી સર્જાશે, એ નક્કી છે. ડોકટરોએ મીડિયાના માધ્યમથી ચાલુ વર્ષે ગરબાની પરવાનગી ન મળે તે માટે અપીલ કરી હતી.

કોરોનાને કારણે થયેલા લોકડાઉન બાદથી હજુ સુધી સંગીતની દુનિયા સાથે જોડાયેલા કલાકારો માટે આ કપરો કાળ યથાવત રહ્યો છે. જેથી લોકોએ નવરાત્રી પર મુકાયેલ પ્રતિબંધ માટે આ તબીબોને જવાબદાર ગણાવ્યા છે. પાંચેય ડોકટરોને કલાકાર વિરોધી તરીકે ચીતરવામાં આવ્યા છે. કલાકારોને અપેક્ષા હતી કે, રાજય સરકાર જો શેરી ગરબાને મંજુરી આપશે તો નાના નાના કલાકારોને જીવનદાન મળી રહેશે. પરંતુ સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા મુજબ હવે કોઇ પણ પ્રકારના ગરબાના આયોજન પર પણ પૂર્ણવિરામ મુકાઇ જતા, સંગીતની દુનિયા સાથે જોડાયેલા કલાકારોમાં નિરાશા વ્યાપી છે. જો કે વધતા જતા કોરોના સંક્રમણને જોતા ગરબાના મોટા આયોજકોએ પણ આ વર્ષે ગરબા માટે કાર્યક્રમ ના યોજવા સંમતિ આપી હતી. બબલુ અમદાવાદી નામના શખ્સે પોતાના ફેસબુક પર ડોકટરોનો વિરોધ દર્શાવતી પોસ્ટ શેર કરી છે. ડોકટરોના ઘર અને કલીનીક બહાર કલાકારોના માધ્યમથી કાર્યક્રમ કરવાની ચીમકી આપી છે.

(3:38 pm IST)