Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

ફલેટની બાલ્કનીમાંથી આરતી, ઘરમાં જ ગરબે ઘૂમશે ખેલૈયાઓ

સરકારી ગાઇડ લાઇનનાં પાલન સાથે સોસાયટીએ વચલો રસ્તો કાઢયો

અમદાવાદ તા. ૧૦ :.. નવલી નવરાત્રીની ઉજવણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સરકારે પણ ગાઇડ લાઇન જાહેર કરી દીધી છે. આ તહેવારની ઉજવણીના ઇતિહાસમાં પહેલી વાર ખેલૈયાઓ ગરબે ઘમી શકે તે માટે સોસાયટીઓનાં વહીવટી મંડળોએ ગરબાને અલગ રીતે ઊજવવાનો નિર્ણય કર્યો છે. ગરબાની ઉજવણી થાય અને માની આરાધના થાય તથા કોરોના સામે સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવાય અને સરકારી ગાઇડ લાઇનનું પાલન પણ થાય તેવો વચલો રસ્તો અપનાવ્યો છે.

તે મુજબ હવે પોતાનાં ઘરમાં જ રહીને રહીશોએ નવરાત્રીની ઉજવણી કરવી પડશે. લોકોમાં નવરાત્રીમાં ગરબે ઘુમવાનો, નાસ્તા-પ્રસાદ કરવાનો, બધાને મળવાનો થનગનાટ તો છે જ, પરંતુ સાથ સાથે ગાઇડ લાઇનનું પાલન પણ કરવું પડશે એટલે હવે ઢોલ વાગશે, મ્યુઝિક વાગશે. મા જગદંબાની આરતી પણ થશે પરંતુ તેને સાંભળીને રહીશોએ પોત પોતાની બાલ્કની કે પોતાના ટેરેસ અલગ હોય તેમાં રમવાના રહેશે. આમ નવરાત્રીની આ વર્ષે અલગ રીતે પોતાના જ ઘરમાં રહીને ઉજવણી કરાશે.

સોસાયટીઓના હોદેદારો સેફ નવરાત્રીના કોન્સેપ્ટ સાથે સરકારની ગાઇડ લાઇન મુજબના નિયમો બનાવી રહ્યા છે. જેવા કે રહીશોએ તેમના ફલેટ કે ઘરમાંથી કોમન એરિયામાં બહાર આવવું નહીં, માતાજીની સ્થાપના થશે, પરંતુ તે સમયે માત્ર પાંચ જ વ્યકિત હાજરી આપશે, અન્ય રહીશોએ તેમની બાલ્કનીમાંથી માતાની આરતીમાં ભાગ લેવાનો રહેશે. ઉપરાંત પ્રસાદ વ્યવસ્થા આ વર્ષે સદંતર બંધ રહેશે. નાસ્તા પણ બંધ રહેશે. કેટલીક સોસાયટીઓમાં હાલમાં જે રીતે ઓનલાઇન મિટીંગ થાય છે તે જ રીતે રહીશોને પાસવર્ડ અને આઇડી અપાશે. જેમાં લોગ-ઇન થઇને ઘેર બેઠા જ આરતીમાં ભાગ લઇ શકાશે. મિટીંગમાં જ ઓનલાઇન અન્ય સુચનાઓ અપાશે, અને ઓનલાઇન રહીશો એક બીજાને મળશે અને વાત પણ કરી શકશે.

(3:38 pm IST)