Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

અમદાવાદઃ નિત્‍યાનંદ આશ્રમ વિવાદમાં બહુચર્ચિત હાથીજણ પાસેની ડીપીએસ સ્‍કૂલની કાયમી માન્‍યતા રદ્દ કરાઇઃ 50 લાખનો દંડ પણ ફટકારાયો

અમદાવાદ: નિત્યાનંદ આશ્રમ વિવાદને લઈને ચર્ચામાં આવેલ હાથીજણ નજીકની DPS-ઈસ્ટ સ્કૂલ  પર ગુજરાતના શિક્ષણ વિભાગે કાર્યવાહી કરતા આ સ્કૂલની કાયમી માન્યતા રદ્દ કરી દીધી છે. આટલું જ નહીં, સ્કૂલમાં અમાન્ય વર્ગો ચલાવવા બદલ રૂપિયા 50 લાખનો દંડ પણ ફટકાર્યો છે.

ઉલ્લેખનીય છે કે, DPS ઈસ્ટ સ્કૂલના કેમ્પસમાં નિત્યાનંદ આશ્રમને અપાયેલી જમીનના વિવાદને પગલે સ્કૂલની માન્યતા અગાઉ રદ્દ કરવામાં આવી હતી. જો કે હાઈકોર્ટે આ ઓર્ડર રદ્દ કરીને રાજ્ય સરકારને ન્યાયિક પ્રક્રિયા હાથ ધરવાનો આદેશ કર્યો હતો. જેથી સ્કૂલ સંચાલકોને એક તક પણ મળી હતી.

હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ, સ્કૂલ સંચાલકોનો પક્ષ સાંભળીને તેમના દસ્તાવેજોની ચકાસણી કરીને પ્રાથમિક નિયામકની કચેરી દ્વારા સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે.

જેમાં વિદ્યાર્થીઓના અભ્યાસને ધ્યાનમાં રાખીને સ્કૂલને એપ્રિલ-2021 સુધી ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે. જે બાદ એપ્રિલ-2021થી સ્કૂલને બંધ કરવામાં આવશે. આ સિવાય 2008 થી 2011ના 3 વર્ષ સુધી માન્યતા વગર વર્ગો ચલાવવા બદલ સ્કૂલને રૂપિયા 50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

જો સ્કૂલે ફરીથી માન્યતા મેળવવા માટેની અરજી રાજ્યના શિક્ષણ વિભાગમાં કરવી હશે, તો પણ તેણે પહેલા 50 લાખ રૂપિયાનો દંડ ભરવો જ પડશે. જે બાદ જ સ્કૂલની નવી માન્યતા માટેની પ્રક્રિયા શક્ય બનશે.

વિદ્યાર્થીઓને DPS બોપલમાં શિફ્ટ કરવાની માંગ

ગુજરાતમાં CBSEની સ્કૂલ શરૂ કર્યાં પહેલા કોઈ પણ શૈક્ષણિક સંસ્થા કે ટ્રસ્ટને ગુજરાત સરકારની મંજૂરી લઈને શિક્ષણ વિભાગ પાસેથી NOC લેવાનું હોય છે. જો કે નિત્યાનંદ આશ્રમને નિયમો નેવે મૂકીને સ્કૂલ કેમ્પસમાં જમીન આપવાના વિવાદ બાદ CBSE દ્વારા અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે તપાસ કરતા સ્કૂલ પાસે NOC જ ન હોવાનું સામે આવ્યુ હતુ. સ્કૂલ મેનેજમેન્ટે જે-તે સમયે સરકાર પાસેથી NOC લીધા વિના જ સ્કૂલ શરૂ કરી દીધી હતી. આટલું જ નહીં, ખોટુ NOC તૈયાર કરવા સહિતના વિવિધ મુદ્દે પોલીસ ફરિયાદ પણ થઈ હતી.

હાલ સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓના જણાવ્યા મુજબ, અત્યારે સ્કૂલમાં 400 બાળકો અભ્યાસ કરે છે. આવા વિદ્યાર્થીઓનો અભ્યાસ અને ભવિષ્ય ના બગડે, તે માટે DPS ઈસ્ટના  બાળકોને DPS બોપલમાં શિફ્ટ કરવાની માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત વાલી મંડળે સ્કૂલના ટ્રસ્ટી ઉપરાંત આગેવાનો વિરુદ્ધ બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવા બદલ કોર્ટમાં જવાની ચિમકી ઉચ્ચારી છે.

(5:04 pm IST)