Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

પોપ્યુલર બિલ્ડરને ત્યાં IT દરોડમાં બિનહિસાબી ૬૯ લાખ કેશ અને ૮૨ લાખની જવેલરી મળી

પોપ્યુલર બિલ્ડરના ૨૭ જેટલા સ્થળો પર ઇન્કમ ટેકસની રેડ પડી છેઃ જેમાં મોટાપાયે ટેકસ ચોરી અને બિનહિસાબી સંપત્તિ મળી છે

અમદાવાદ, તા.૧૦: પોપ્યુલર ગ્રુપ પર ઇન્કમટેકસના દરોડના બીજા દિવસે ૧૦૦ કરોડથી વધુના બિનહિસાબી રોકાણના પુરાવા મળ્યા છે. વિભાગે શુક્રવારે ૬૯ લાખ રોકડા તેમજ ૮૨ લાખના દાગીના અને ૧૮ લોકર જપ્ત કર્યા છે. બીજા દિવસે ગ્રુપના પરિવારના સભ્યો ઉપરાંત કર્મચારીઓ, એકાઉન્ટન્ટના સ્ટેટમેન્ટ નોંધવામાં આવ્યા હતા. ગ્રુપની કંપનીઓ પાસેથી એટલો ઇ ડેટા મળ્યો હતો કે તે લેવામાં આખો દિવસ નીકળી ગયો હતો.

અમદાવાદ શહેરમાં આવેલી પોપ્યુલર ગુ્રપની ઓફિસો અને રહેઠાણો મળીને કુલ ૨૭ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. જુદી જુદી સહકારી સોસાયટીઓના નામે રાખવામાં આવેલી જમીનોને લગતા દસ્તાવેજો પણ મોટી સંખ્યામાં મળી આવ્યા છે. આ જમીનના સાચા માલિકોની તલાશ કરવામાં આવી રહી છે.

પોપ્યુલર ગુ્રપના માલિક રમણ પટેલ અને તેના પુત્ર જેલમાં હોવાથી તેમના નિવેદન લેવાના બાકી છે. બાકીના મોટાભાગના સ્થળે નિવેદન લેવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું ડિરેકટર જનરલ આઙ્ખફ ઇન્વેસ્ટિગેશનના સૂત્રોનું કહેવું છે. ૯૦ ટકા સ્થળોએ દરોડાની કાર્યવાહી સમેટાઈ ગઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

ગ્રુપે મોટા પ્રમાણમાં કોઓપરેટિવ સોસાયટીના નામે જમીનો રાખી બેનામી મિલકત ઊભી કરી હોવાનું મનાય છે. પોપ્યુલર ગ્રુપના માલિક રમણ પટેલના વિશ્વાસુ ભરત પટેલના ફ્લેટ પરથી દરોડામાં ૧૫૦ કરોડથી વધુની મિલકતના સોદાના દસ્તાવેજ મળ્યા હતા. વિભાગે ૯૬ કંપની અંગે આરોસીમાં તપાસ કરાવતા પરિવારના સભ્યો સિવાય બોગસ ડાયરેકટર હોવાનું ખૂલ્યું હતું.

મોબાઇલ અને કમ્પ્યૂટર પાસવર્ડથી લોક હતા

ગ્રુપે ૧૦૦ કરોડથી વધુ કિંમતની દુકાનો અને મકાનોનું રોકડમાં વેચાણ કર્યું હતું. આ ઉપરાંત રમણ પટેલ અને પરિવારના અન્ય સભ્યોના મોબાઇલ ફોન, પેન ડ્રાઇવ અને કમ્પ્યૂટર જપ્ત કરાયા છે. ઇન્કમટેકસ વિભાગે તમામના પાસવર્ડ મેળવી તપાસ હાથ ધરી છે.

પોપ્યુલર ગુ્રપની ૯૬ કંપનીઓ બેચાર એડ્રેસ પર રજિસ્ટર કરવામાં આવેલી છે. આ કંપનીઓનો ઉપયોગ જમીનના નાણાંને ફેરવવા માટે કરવામાં આવતો હતો. આ કંપનીઓમાંથી ઘણી કંપનીઓના વાર્ષિક રિટર્ન રજિસ્ટ્રાર આઙ્ખફ કંપનીઝમાં જમા કરાવવામાં આવેલા નથી. આ કંપનીઓમાં મૂકવામાં આવેલા ડમી ડિરેકટર્સ માત્ર સહી કરવાની કામગીરી જ કરતાં હતા.

(12:46 pm IST)