Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

અંબાજીમાં પ્રસાદની વધુ કિંમત વસૂલનાર દુકાનદારને કોર્ટે ૫૦૦૦ દંડ ફટકાર્યો

અંબાજી મંદિરના ગેટની સામે આવેલી દુકાનના માલિકે પ્રસાદની વાસ્તવિક કરતાં વધુ કિંમત વસૂલીઃ પીડિતને વળતર ચૂકવવાનો આદેશઃ આવા કેટલાક વેપારીના કારણે જ તીર્થ સ્થાનોની છબી ખરડાય છે અને ગુજરાતના વેપારીઓનું નામ પણ ખરાબ થાય છે

અંબાજી, તા.૧૦: અંબાજી ટાઉનમાં શ્રદ્ઘાળુ પાસેથી પ્રસાદની વાસ્તવિક કરતાં વધારે કિંમત વસૂલનાર એક દુકાનના માલિકને કન્ઝયૂમર કોર્ટે ૫ હજારનો દંડ ફટકાર્યો છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે, આવા કેટલાક વેપારીના કારણે જ તીર્થ સ્થાનોની છબી ખરડાય છે અને ગુજરાતના વેપારીઓનું નામ પણ ખરાબ થાય છે.

આ કેસમાં, થરામાં રહેતા રાજેન્દ્રપ્રસાદ રાઠોડ જાન્યુઆરી ૨૦૧૮માં અંબાજી મંદિર ગયા હતા. મંદિરમાં પ્રવેશ કરતાં પહેલા, મહાશકિત પ્રસાદ સ્ટોર્સના માલિકે તેમને નારિયેળ અને પ્રસાદ લઈ જવાનું કહ્યું, દુકાન મંદિરના ગેટની સામે આવેલી છે. દુકાનના માલિકે તેમને પ્રસાદના બદલે થાળ લઈ જવાની સલાહ આપી. થાળની કિંમત પૂછતાં દુકાનદાર ગિરિશકુમાર જોશીએ ભારપૂર્વક કહ્યું હતું કે, રાઠોડ પહેલા મંદિરની મુલાકાત લઈ લે અને પછી તેઓ વ્યાજબી કિંમત લેશે.

જયારે રાજેન્દ્રપ્રસાદ પાછા આવ્યા તો, દુકાનદારે તેમની પાસેથી એક થાળના ૯૧૧ રુપિયા વસૂલ્યા. રાઠોડે અનિચ્છાએ ૧,૮૨૨ રૂપિયા ચૂકવી તો દીધા પરંતુ અયોગ્ય વેપાર પ્રથા માટે જોશી સામે દાવો માંડવા સ્થાનિક ગ્રાહક અધિકાર જૂથની મદદ લીધી.

કેસની સુનાવણી કર્યા બાદ, બનાસકાંઠા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગે તારણ કાઢ્યું હતું કે, તે પ્રાઇમે ફેસી ઈન્ફાયર ટ્રેડ પ્રેકિટસ છે અને દુકાનદારે છેતરપિંડી કરી છે. કોર્ટે કહ્યું કે, વેપારીએ વસ્તુ વેચતા પહેલા ભાવ અંગે ગ્રાહકને માહિતી આપવી જોઈએ.

દુકાનના માલિકને ગ્રાહક પાસેથી વસૂલેલા વધારાના ૧,૬૦૨ રૂપિયા પરત કરવા સિવાય કોર્ટે આ પ્રકારના વલણની નિંદા કરી હતી. સાથે જ કહ્યું હતું કે, 'અંબાજીને ભારતનું પ્રખ્યાત શકિતપીઠ છે. જો ભકતો પાસેથી પ્રસાદની વધુ કિંમત વસૂલવામાં આવશે તો આ પવિત્ર તીર્થધામની છબી ખરડાશે તેમજ ગુજરાતના અન્ય વેપારીઓનું નામ પણ ખરાબ થશે'.

કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, 'આ પ્રથાને બંધ કરવી અને કાયદાનું પાલન કરાવવું જરૂરી છે, જેથી શ્રદ્ઘાળુઓને વેપારીઓ દ્વારા છેતરવામાં ન આવે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની ખાતરી કરવા માટે આવી પ્રવૃતિને રોકવી જરૂરી છે'.

કન્ઝયૂમર કોર્ટે દુકાનદાકને માનસિક ત્રાસ માટે વળતર તરીકે શ્રદ્ઘાળુને વધારાના ૧૫૦૦ રૂપિયી ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો.

(11:31 am IST)