Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

દસમી ગ્લોબલ વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ માટે ઉદ્યોગ વિભાગે 95 કરોડ ફાળવી દીધા

કોરોનાકાળમાં વિદેશથી મહેમાનો આવશે નહીં : સરકારે હજી સુધી નિર્ણય લીધો નથી છતાં બજેટની 95 કરોડની જોગવાઇ વિભાગને ફાળવી દીધી

અમદાવાદ : ગુજરાતની દસમી ગ્લોબલ વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ કે જે જાન્યુઆરી 2021માં યોજાવાની હતી તે અંગે હજી સુધી કોઇ નિર્ણય લીધો નથી તેમ છતાં ઉદ્યોગ વિભાગે બજેટની 95 કરોડ રૂપિયાની જોગવાઇ વિભાગને ફાળવી દીધી છે. કોરોના સંક્રમણના સમયમાં જો સરકાર સમિટ યોજે તો પણ તેમાં વિદેશી મહેમાનો આવવાની સંભાવના ઓછી છે.

  ઉદ્યોગ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યની 10મી વાયબ્રન્ટ સમિટ 2021 યોજવા અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ તે રદ્દ થાય તેવી સંભાવના વધારે છે, જો કે બજેટમાં જોગવાઇ કરી હોવાથી સ્વાભાવિકરીતે વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે ઉદ્યોગ વિભાગે ફાળવણીનો જીઆર કર્યો છે. આ રકમ જો નહીં વપરાય તો આગળના વર્ષમાં કેરી ફોરવર્ડ કરવામાં આવી શકે છે.

 વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે નવમી વાયબ્રન્ટ સમિટ 2019માં થઇ હતી અને તેમાં 15 દેશો ક્ધટ્રી પાર્ટનર બન્યાં હતા. આ વખતે ઇન્ડોનેશિયા જોડાવાનું હતું પરંતુ કોરોના સંક્રમણ નડ્યું છે. 17 વર્ષમાં પહેલીવાર આ ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ થશે નહીં.

10મી વાયબ્રન્ટ સમિટ અંગે ઉદ્યોગ વિભાગ અને ઇન્ડેક્ષ્‍ટ-બી તરફથી કોઇ હલચલ જોવા મળતી નથી. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ થોડા સમય પહેલાં એવો નિર્દેશ આપ્યો હતો કે કોરોના સંક્રમણ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી વાયબ્રન્ટ સમિટ કરવાનું વિચારી શકાય તેમ નથી. કોરોના સંક્રમણ માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં વિશ્વના 215થી વધુ દેશોમાં ફેલાયેલું છે અને કેસોની સંખ્યા વધતી જાય છે ત્યારે ગુજરાતની આ ગ્લોબલ સમિટ પહેલીવાર મોકુફ રાખવી પડે તેમ છે.

અગાઉ જ્યારે પણ વાયબ્રન્ટ સમિટ થઇ છે ત્યારે સમિટ પૂર્વે છ મહિનાથી તૈયારી શરૂ કરી દેવામાં આવતી હતી અને દર બે વર્ષે ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં વિદેશમાં રોડ શો કરીને વિશ્વના બિઝનેસ પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવતા હતા. આ વખતે આમંત્રણની તૈયારી કરવામાં આવી નથી.

ગુજરાતમાં 2019માં છેલ્લી વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ થઇ હતી તેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઝેચ રિપબ્લિક, ડેન્માર્ક, ફ્રાન્સ, જાપાન, મોરોક્કો, નોર્વે, પોલેન્ડ, સાઉથ આફ્રિકા, સાઉથ કોરિયા, થાઇલેન્ડ, નેધરલેન્ડ, યુએઇ અને ઉઝબેકિસ્તાન એમ કુલ 15 દેશો ક્ધટ્રી પાર્ટનર બન્યાં હતા. આ વખતે ઇન્ડોનેશિયા પાર્ટનર બનવા માગે છે પરંતુ વાયબ્રન્ટ સમિટ અંગે સ્પષ્ટતા નહીં હોવાથી કોઇ દેશોને આમંત્રણ આપવામાં આવ્યા નથી.

ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતમાં 2003થી દર બે વર્ષે વાયબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ થાય છે. આ સમિટને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી. 2019માં નવમી વાયબ્રન્ટ સમિટ કરવામાં આવી હતી જેમાં 100થી વધુ દેશોના 25000થી વધુ બિઝનેસ પ્રતિનિધિઓ અને ઉદ્યોગ એસોસિયેશનોએ ભાગ લીધો હતો.

કોરોના સંક્રમણ પહેલાં ડેન્માર્ક અને ઇન્ડોનેશિયાએ ક્ધટ્રી પાર્ટનર બનવા તૈયારી બતાવી હતી પરંતુ 2021ની સમિટને કોરોના ગ્રહણ નડી ગયું હોવાથી અન્ય દેશો કે અન્ય રાજ્યોના પ્રતિનિધિઓને એકત્ર કરી શકાય તેમ નથી. આ અધિકારીને જ્યારે એવું પૂછવામાં આવ્યું કે શું વાયબ્રન્ટ સમિટ ઓનલાઇન પ્લેટફોર્મના માધ્યમથી યોજી શકાય તેમ છે કે કેમ ત્યારે તેમણે કહ્યું હતું કે તેનો નિર્ણય ભારત સરકારે લેવાનો રહે છે, કારણ કે ગુજરાતમાં થતી ગ્લોબલ સમિટમાં 125 જેટલા દેશોના પ્રતિનિધિઓ આવતા હોય છે. હવે વાયબ્રન્ટની તૈયારી કરવા માટે સરકાર પાસે માત્ર બે મહિનાનો સમય છે તેથી શક્યતા દેખાતી નથી.

(11:01 am IST)