Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

નર્મદા જિલ્લાના કેવડિયા આસપાસના ગામોના ખેડૂતોને પૂરતી વીજળી ન મળતા આવેદન અપાયું

સમયસર વીજળી ન મળવાથી કપાસનો પાક નિષ્ફળ જવાની ભીતિથી ખેડૂતોમાં રોષ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા અનેક પ્રયાસો કરવામાં આવે છે મોટા મોટા કાર્યક્રમો ના તાયફા કરી કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે ઉપરાંત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતની આવક 2022 સુધી બમણી થાય તેઓ સ્વપ્ન સેવ્યું છે પરંતુ વડાપ્રધાનનું સ્વપ્ન નર્મદા જિલ્લાના ખેડૂતો માટે રોડાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડિયા આસપાસ ના ખેડૂતોને વીજળી સમયસર ન મળતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે

  ઉપરાંત સરકાર જ્યારે ખેડૂતોને આંઠ કલાક વીજળી અપાઈ રહી હોવાની ગુલબંગો પોકારે છે ત્યારે કેવડિયા સહિત આસપાસના ગામડાઓમાં એક કલાક સુદ્ધા વીજળી મળતી નથી તેવા આરોપો સાથે ખેડૂતોએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કેવડિયા ખાતેની પેટા કચેરી ખાતે એક આવેદન આપ્યું છે અને બે દિવસમાં જો આ બાબતે નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે ઉપરાંત અધિકારીઓ ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને જણાવ્યું છે કે આટલા દિવસથી ફોલ્ટ મળતો નથી કર્મચારીઓને કાઈ આવડતું નથી સ્ટાફ બદલી નાખો તેવા પણ ગંભીર આક્ષેપ કર્યા છે

  અત્રે એ ઉલ્લેખનિય છે કે લોકડાઉનમાં ખેડૂતોની હાલત કફોડી બની હતી ત્યારબાદ વરસાદી ઋતુમાં પુરની પરિસ્થિતિ સર્જાતા ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો ત્યારે હવે વીજળીના કકળાટ માં ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવે તેમ છે
  તો આ બાબતે કેવડીયાની વિભાગીય કચેરી ના નાયબ ઈજનેર સાથે વાત કરતા તેઓએ ચોમાસામાં ડી પી માં ફોલ્ટ થતા સમસ્યા સર્જાય છે.અને ખેડૂતોની રજુઆતનું યોગ્ય નિરાકરણ લાવીશું તેમ જણાવી લુલો બચાવ કર્યો હતો

(10:17 pm IST)