Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

સીએમ દ્વારા વિકાસના કામનું ઈ-ખાતમુહૂર્ત કરાયું જેમાં રાજપીપળા નગરપાલિકાના વિકાસ કામના વિરોધ સાથે આંદોલનની ચીમકી

જો પેવર બ્લોક નખાશે તો રાજેન્દ્ર નગર સોસાયટીના રહીશોએ આંદોલનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાતની વિવિધ 23 નગર પાલિકામાં 105 કરોડના વિકાસના કામનું ઈ-લોકાર્પણ કર્યું હતું.એ વિકાસના કામમાં રાજપીપળા નગરપાલિકાનો પણ સમાવેશ થાય છે.
  રાજપીપળાની રાજેન્દ્ર નગર સોસાયટીમાં રોડ રસ્તા પર પેવર બ્લોકના કામની સરકારે મંજૂરી આપી છે, તો એ વિસ્તારના લોકોએ પેવર બ્લોકની કામગીરીનો વિરોધ નોંધાવી ગુજરાત-ના મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજુઆત કરી છે.જો પેવર બ્લોક નખાશે તો રાજપીપળા રાજેન્દ્ર નગર સોસાયટીના રહીશોએ આંદોલનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચ્યો છે.

   સ્થાનિક રહીશોની રજુઆત મુજબ રાજપીપળા પાલિકા દ્વારા 2.08 કરોડનું ઓન લાઈન ટેન્ડર બહાર પડાયુ હતું. સુરતની એક એજન્સીને 36.36% નીચા ભાવે ટેન્ડર લાગ્યું હતું.હવે આમા 12% GST ટેક્ષ, 2% લેબોરેટરી ટેસ્ટિંગ ચાર્જ ઉમેરીએ તો અંદાજીત 50% નીચા ભાવે એજન્સી પેવર બ્લોકના કામ કરશે, તો એ એજન્સીનો નફો ધોરણ જોઈએ તો પેવર બ્લોકની કામગીરીમાં હલકી ગુણવત્તા જળવાશે એવુ અમને લાગી રહ્યું છે.સાથે સાથે અમારા સોસાયટીના રહીશો પણ પેવર બ્લોકની કામગીરીનો વિરોધ કરી એની જગ્યાએ RCC રસ્તો બને એવી માંગણી કરી રહ્યા છે

  .જો કામ યોગ્ય રીતે નહિ થાય તો પેવર બ્લોક ઉપર નીચે રહી જશે જેને કારણે વૃધ્ધો, બાળકો ઠોકર ખાઈને પડી જવાની પૂરે પુરી સંભાવનાઓ રહેલી છે.ભવિષ્યમાં કોઈની પાણીની પાઈપ લાઈન લીકેજ થાય અથવા લગ્ન પ્રસંગ સમયે મંડપ બાંધવા બ્લોક તોડવા જ પડે ત્યારે ફરી વાર યોગ્ય રીતે ફિટિંગ થાય જ નહીં.તો એવા સમયે રસ્તો ઉબડ ખાબડ થવાની સંભાવનાઓ છે.ચોમાસાના સમયે બ્લોક પર લિલ જામે તો અવાર નવાર લોકો સ્લીપ ખાઈ પડી જાય એવી પણ સંભાવનાઓ છે.
  જો પેવર બ્લોક નંખાશે તો વ્યવસ્થાની જગ્યાએ અવ્યવસ્થા ઉપસ્થિત થવાની સંભાવનાઓ રહેલી છે.પેવર બ્લોકની જગ્યાએ RCC રોડ બને તો ટેન્ડરના અડધા ભાવમાં એ કામગીરી થશે, જેથી સરકારની તિજોરી પર ભાર પણ વધુ પડશે નહિ.હાલના મંગાવેલા ટેન્ડરો જે સ્કીમ હેઠળ મંગાવવામાં આવ્યા છે તેનો હેતુ મુજબ રસ્તાની જાળવણી માટે આ ગ્રાન્ટ સરકારે ફાળવી છે.પણ સરકારે કોન્ક્રીટ રોડને મજબૂતી માટે પ્રથમ ક્રમે ગણે છે.તો રોડ ખોદાવી તેમાં ફરીથી કોન્ક્રીટ કરી પેવર બ્લોક બેસાડવાની કામગીરી કરી રોડને નબળો કરવા માટે ટેન્ડર મંગાવેલ હોય તેવું જણાઈ આવે છે.જો અમારી આ માંગણી નહીં સ્વીકારાય તો ના છૂટકે અમારે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

  રહીશો પેવર બ્લોક કામગીરીનો વિરોધ કેમ કરે છે એ બાબતે તેમના જણાવ્યા મુજબ રાજપીપળા પાલિકા દ્વારા મંજુર કરાયેલ ટેન્ડરમાં પેવર બ્લોક ID-15658-2006 મુજબ 80 MM ના પેવર બ્લોક M-400 ગ્રેડના જોઈએ તેની જગ્યાએ બ્લોક M-250 ગ્રેડના છે, અને પેવર બ્લોક કામની મિક્ષ ડિઝાઇન પણ આવી નથી.ટેન્ડરિંગમાં ડિસમેલટિંગ છે પણ ખોદાણનો કોઈ ઉલ્લેખ કરાયો નથી અને લેવલિંગ કરી કામ થશે એનો પણ ઉલ્લેખ કરાયો નથી. જો પેવર બ્લોક નાખતા પેહલા યોગ્ય ખોદાણ ન થાય તો બાદ હાલમાં જે રસ્તાનું લેવલ છે એનાથી વધુ લેવલ ઉપર આવી જશે જેથી ભવિષ્યમાં પાણી ભરાવવાનો મોટો પ્રશ્ન પણ ઉપસ્થિત થશે.પાણીથી જમીનને રિચાર્જ કરવાની ગુજરાત સરકારનો અભિગમ છે, તો જો અહીંયા પેવર બ્લોક નખાશે તો જમીન પાણીથી રિચાર્જ થશે નહિ અને એવા સમયે સરકારનો અભિગમ પાર ઉતરશે નહિ.રાજેન્દ્ર નગર સોસાયટીમાં પેવર બ્લોક કામગીરી માટેનું 2.08 કરોડનું ટેન્ડર 1.32 કરોડના ભાવે પાસ થયું છે તો અમારા જાણવા મુજબ આટલી રકમમાં તો મટીરીયલ પણ ન આવે તો કામગીરીની ગુણવતા જળવાશે કે કેમ એ મોટો પ્રશ્ન છે.

(8:29 am IST)