Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

નડિયાદમાં બંધ મકાનમાં બે એલઇડી ટીવીની ચોરી કરનાર ગઠિયા વિરુદ્ધ ગુનો દાખલ

નડિયાદ:શહેરમાં વીકેવી રોડ પર અંતરા એપાર્ટમેન્ટમાં રહેતા સુનિલ મોહનભાઈ ચંદનાની કોલ્ડ સ્ટોરેજના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના પિતા અને માતા તથા ઘરના અન્ય લોકો ઉપરોક્ત જગ્યાએ રહે છે. જ્યારે તેમના પિતાનું અન્ય એક મકાન પેટલાદ રોડના શ્રીજી સોસાયટીમાં બંગલા નં. ૩માં આવેલ છે. જે મકાન બંધ રહે છે. કોઈક વાર સુનિલ અને તેમના પરિવારના લોકો આવ-જા કરે છે. અહીંયા આ સોસાયટીમાં જ સુનિલના કાકા રહે છે. ગઈકાલે સુનિલને તેમના કાકાએ ફોન કરીને જણાવ્યું કે શ્રીજી સોસાયટીવાળા બંધ મકાનનાં દરવાજાનું તાળું અને નકૂચો તૂટેલી હાલતમાં છે. જેથી સુનિલ અને તેમના પિતા તુરંત આ બંધ મકાને પહોંચી તપાસ આદરતાં ઘરના પાછળના દરવાજાનો નકૂચો તૂટેલી હાલતમાં જોયો હતો. જો કે મકાનમાં સરસામાન હતો બીજું કંઈ નહીં મળતાં તસ્કરોએ બેડરૂમમાં મુકેલા બે એલઈડી ટીવીની ચોરી કરી હોવાનું મકાન માલિકને ધ્યાનમાં આવ્યું હતું. જેથી આ અંગે સુનિલ ચંદનાનીએ નડિયાદ ટાઉન પોલીસ મથકે બે એલઈડી ટીવી કિંમત રૂા. ૭૫ હજારના મુદ્દામાલની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

(5:13 pm IST)