Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

સુરતના અમરોલી-છાપરાભાઠા રોડ નજીક એક વર્ષથી અલગ રહેતી પત્નીને મળવાના બહાને બોલાવી રીક્ષા ચાલક પતિએ બ્લેડ વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરતા અરેરાટી

સુરત: શહેરનાઅમરોલી-છાપરાભાઠા રોડ પર એકાદ વર્ષથી અલગ રહેતી પત્નીને મળવાના બહાને બોલાવી રીક્ષા ચાલક પતિએ બ્લેડ વડે હુમલો કરી ગળું કાપી નાંખી હત્યાનો પ્રયાસ કર્યાની ઘટના અમરોલી પોલીસમાં નોંધાય છે.

અમરોલી-છાપરાભાઠા રોડ સ્થિત શ્રીરામનગર સોસાયટીમાં લાલાભાઇ ભરવાડની રૂમમાં ફોઇ અનિતા દિલીપ ક્નોજીયા સાથે રહેતી પાયલ દિનેશ જયરામ હરસારાની (ઉ.વ.21) એ ઓક્ટોબર 2016માં રાજુલાના મંદિરમાં રીક્ષા ચાલક પ્રેમી રવિ પ્રવિણ વરીયા સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા. પતિ રવિ સાથે મહુવા ખાતે રહેતી હતી ત્યારે પુત્ર નીલ (ઉ.વ. 4) ને જન્મ આપ્યો હતો. પરંતુ પતિ સાથે મનમેળ નહીં હોવાથી છેલ્લા એકાદ વર્ષથી પાયલ અલગ રહે છે. ગત સાંજે રવિએ પાયલને મળવા તેના ઘર નજીક શ્રી રામેશ્વર મહાદેવ મંદિર પાસે મળવા બોલાવી હતી. જેથી પાયલ તેની ફોઇ અનિતા, ફુવા દિલીપ અને સુમન નામની મહિલા સાથે રવિને મળવા ગઇ હતી. જ્યાં રવિએ પાયલને પોતાની સાથે આવવા કહ્યું હતું પરંતુ પાયલે ઇન્કાર કરી દેતા ઉશકેરાયેલા રવિએ તેનું ગળું દબાવી દેતા ફોઇ-ફુવા તથા સુમન બચાવવા દોડી ગયા હતા. જો કે રવિએ બ્લેડ વડે પાયલના ગળામાં ગંભીર ઇજા પહોંચાડી ભાગી ગયો હતો. લોહીલુહાણ હાલતમાં પાયલને તુરંત જ 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં પાયલ પર શસ્ત્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

(5:06 pm IST)