Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ગણેશ ચતુર્થી અને સંવત્સરી પર્વની શુભકામનાઓ પાઠવતા વિજયભાઈ રૂપાણી

ઈકો ફ્રેન્ડલી ગણેશજીનું સ્થાપન કરવા તથા પર્યુષણ પર્વ અંતર્ગત જૈન અને જૈનેતર નાગરીક ભાઈ-બહેનોને મિચ્છામિ દુક્કડમ પાઠવ્યાં

રાજકોટ, તા. ૧૦ :. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના સૌ નાગરીક ભાઈ-બહેનોને ગણેશ ચતુર્થી પર્વ અને સંવત્સરી પર્વની શુભકામના પાઠવી છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ છે કે વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીનું આ પર્વ દરેક પ્રકારના વિઘ્નો-સંકટો નિવારીને, ગુજરાતને પ્રગતિશીલ-વિકસીત, સુખી-સમૃદ્ધ અને શકિતશાળી બનાવશે તેવી ગણેશ ચતુર્થીની શુભેચ્છા વ્યકત કરી છે.

પ્રવર્તમાન પરિસ્થિતિમાં ગણેશજીની આરાધના, ઉપાસના માટે ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું સ્થાપન ઘરમાં જ કરવા તેમજ સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન કરવા અનુગ્રહ કર્યો છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જૈન અને જૈનેતર નાગરીક ભાઈ-બહેનોને સંવત્સરી પર્વ પ્રસંગે મિચ્છામિ દુક્કડમ પાઠવ્યા છે.

શ્રી વિજયભાઈ રૂપાણીએ પર્યુષણ મહાપર્વને ક્ષમાપના અને ઉપકાર સ્મરણ પર્વ ગણાવતા જણાવ્યુ છે કે ક્ષમા, કરૂણા અને જીવદયાના ભગવાન મહાવીરના સિદ્ધાંતોને આત્મસાત કરનારૂ પર્યુષણ પર્વ, સામાજિક સમરસતા અને માનવતાની શકિતઓને વધુ પ્રગાઢ બનાવશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત અને દેશ વિદેશમાં વસતા સૌ જૈન પરિવારોને સંવત્સરી પર્વની શુભેચ્છાઓ સાથે મિચ્છામિ દુક્કડમ પણ પાઠવ્યા છે.

(4:20 pm IST)