Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

કોરોના કાળમાં મૃત્યુ આંક છુપાવવાની રાજ્ય સરકારની રમત ખુદ રાજ્ય સરકારની સત્તાવાર યાદીમાં ખુલ્લી પડી

નિરાધાર 8000 બાળકોને સહાય આપવાની સરકારે જાહેરાત કરી:સરકારની સત્તાવાર યાદી મુજબ કુલ 13,000 જેટલા બાળકો નિરાધાર થયા: મનીષ દોશી: રાજ્ય સરકારે કોરોના કાળમાં થયેલ મૃત્યુનો આંક કુલ 10,082 જાહેર કર્યો

અમદાવાદ : ભાજપ સરકાર દ્વારા કોરોના કાળમાં મૃત્યુના આંકડા છૂપાવવાની સતત રમત ચાલી રહી છે. પણ આજે ખુદ રાજ્ય સરકારની સત્તાવાર યાદીમાં જ કોરોનામાં મૃત્યુના આંકડાની સાચી હકીકતો જાહેર થઈ છે. ત્યારે, કોરોના જેવી મહામારીમાં ગુજરાતના નાગરિકોના મોતના આંકડા છૂપાવાની ભાજપ સરકારની ગુન્હાહીત રમત પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની 17મી સપ્ટેમ્બરે નિરાધાર 8000 બાળકોને સહાય આપવાની સરકારે જાહેરાત કરી છે તેનો અર્થ સરકારની સત્તાવાર યાદી મુજબ કુલ 13,000 જેટલા બાળકો નિરાધાર થયા છે.

બીજી બાજુ રાજ્ય સરકારે કોરોના કાળમાં થયેલ મૃત્યુનો આંક કુલ 10,082 જાહેર કર્યો છે. રાજ્ય સરકારની સત્તાવાર યાદીમાં નિરાધાર બાળકોની સંખ્યામાં 13,000 એનો અર્થ, કોરોના કાળમાં મૃત્યુ આંક છુપાવવાની રાજ્ય સરકારની રમત ખુદ રાજ્ય સરકારની સત્તાવાર યાદીમાં ખુલી પડી ગઈ છે. નિરાધાર બાળકોને સહાય કરીને તેમને સક્ષમ કરવા તે આવકારદાયક છે પણ મોતના આંકડા છુપાવવા માટે સરકાર કેમ એડીચોટીનું જોર લગાવી રહી છે તે ગુજરાત અને ગુજરાતીઓ જાણવા માંગે છે.

કોરોના મહામારીમાં ભાજપ સરકારની ગુન્હાહિત બેદરકારીનો ભોગ ગુજરાત અને ગુજરાતીઓ બન્યા હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં સરકારની અણઆવડત, આયોજન અને ઈચ્છાશક્તિનો અભાવ, બેફામ ભ્રષ્ટાચાર, કાળાબજારનો ભોગ ગુજરાતના નાગરિકો બન્યા છે. કોરોના કાળમાં 108 એમ્બ્યુલન્સ સેવાએ 2,19,000 કેસને એટેન્ડ કર્યા. ગુજરાતમાં કુલ સરકારી આંકડા મુજબ 8,25,000 કોરોના કેસ એટલે કે 75 ટકા કોરોના દર્દીઓને એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરાવવામાં રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ ગઈ હતી.

7.50 લાખ કોરોના દર્દીઓને કોરોના કાળમાં એમ્બ્લુયન્સ ઉપલબ્ધ ન થવાથી ખાનગી વાહનો, ખુદના વાહનો અને ખાનગી એમ્બ્લુયન્સમાં વધુ નાણાં ચુકવવા પડ્યા છે. તમામને સારવાર અને હોસ્પિટલ વ્યવસ્થા આપવાના સરકારના મોટા મોટા દાવાને ખુદ 108 એમ્બ્લુયન્સ સેવાએ જ અધિકારિક રીતે ખુલા અને ખોટા પાડી દીધા છે. અધિકારી રાજ, વ્યવસ્થાનો અભાવ અને તંત્રની લાપરવાહીથી ગુજરાતમાં 2.81 લાખ જેટલા નાગરિકોએ જીવ ગુમાવ્યા હોવાનું તાજેતરના હાર્વડના સંશોધનમાં સામે આવ્યું છે.

કોરોના કાળમાં સરકારી તંત્રે પ્રથમ લહેર બાદ બીજી લહેરમાં ઓક્સિજન, ખાલી બેડ, રેમડેસિવિર ઈન્જેક્શનના કાળાબજાર, દવાના કાળાબજાર, 108 એમ્બ્યુલન્સ માટે લાંબી કતારો લાગી, 48 થી 72 કલાક સુધી એમ્બ્યુલન્સ માટે રાહ જોવી પડે, સરકારની ગુન્હાહિત બેદરકારી, અણઘડ વહિવટ, આયોજનનો અભાવ, અધિકારીરાજના લીધે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને પરિવારના સ્વજનો ગુમાવવા પડ્યા છે.

(9:18 pm IST)