Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

સુરતના અડાજણમાં ઓનલાઈન IPL મેચ ઉપર ઉપર સટ્ટો રમતા ચાર લોકો ઝડપાયા : 3,35 લાખનો મુદામાલ જપ્ત

સુરત પીસીબી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 4 લોકોની ધરપકડ કરી બુકી અને ગ્રાહકો મળી 10 લોકોને વોન્ટેડ જાહેર કર્યા

સુરતના અડાજણ વિસ્તારમાં ઓનલાઈન આઈપીએલ મેચ ઉપર સટ્ટો રમતા ઝડપાયો હતો. સુરત પીસીબી પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા 4 લોકોની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓ પાસેથી 35 મોબાઈલ સહિત 3.35 લાખની મત્તા કબ્જે કરી છે. તેમજ બુકી અને ગ્રાહકો મળી 10 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. હાલમાં આઈપીએલની સીઝન શરુ થતા સટોડિયાઓ મેચ પર સટ્ટો રમતા હોય છે, ત્યારે સુરતમાં પીસીબી પોલીસને બાતમી મળી હતી કે અડાજણ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી ગ્રીન રેસીડેન્સીમાં હિતેશ રમણલાલ રાજપૂત તથા દિવાનસિંહ ખોમાનસિંહ ગોહિલ નામના શખ્શો મૂળ ખભાતના રહેવાસી છે. હાલ તેઓ 4-5 દિવસથી સુરત ખાતે તેના સાગરીતો સાથે આઈપીએલની મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડી રહ્યા છે.

પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી દરોડો પાડ્યો હતો. પીસીબી પોલીસે ફ્લેટમાંથી હિતેશ રમણલાલ રાજપૂત, જીતુભાઈ કાળીદાસ રાણા, દિવાનસિહ ખોમાનસિહ ગોહીલ તથા કલ્પેશભાઈ અરવિંદ ભાઈ સોનીની ધરપકડ કરી હતી. પોલીસે ફ્લેટમાંથી જુગારના રોકડા રૂપિયા 86 હજાર, 1.22 લાખના 35 મોબાઈલ, બે લેપટોપ, તથા ટેબ્લેટ અને એક એલસીડી ટીવી મળી કુલ 3.35 લાખની મત્તા કબ્જે કરી હતી.

પોલીસે આ કેસમાં જામનગર ખાતે રહેતા બુકી ગુરુજી, અમદાવાદ ખાતે રહેતા જે.પી, તથા જુગાર રમનાર ગ્રાહકો પૈકી ખંભાત ખાતે રહેતા રીતેશ પટેલ, અમદવાદ ખાતે રહેતા અશ્વિન રાજપૂત, ખંભાત ખાતે રહેતા મહેન્દ્ર પરમાર, બીપીન રાવળ, તરુણ રાવળ, અમદાવાદના અંકિત રાજપૂત, સંજય દરબાર તથા ખંભાતના મનોજ રાવળને વોન્ટેડ જાહેર કર્યા છે.

સુરતમાં પણ સટ્ટા બેટિંગ માટેનું હબ બનતું જતું હોય તેમ લાગે છે કારણ કે ગુજરાતમાં ઉત્તર ગુજરાત હબ હતું પણ છેલ્લા કેટલાક સમયથી સુરત શહેર અને તેમાં પણ કેટલાક વિસ્તાર હવે સટ્ટા માટે હબ બની રહ્યું છે. જેના માટે હવે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે અને મેચ પર સટ્ટો રમાડતા આવા સટ્ટોડિયાઓને કબ્જે કરવા પોલીસ દ્વારા આગામી દિવસોમાં ખાસ ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવનાર છે.

(12:24 am IST)