Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

સુરતના સાયણ વિસ્તારમાં ગેરકાયદેસર રહેતા 5 બાંગ્લાદેશીઓની રેલવે પોલીસે કરી ધરપકડ

તમામ આરોપીઓ મૂળ બાંગ્લાદેશના નરેલ જિલ્લાના :રેલવે પોલીસે બારડોલી ઉપલી બજારમાં રહેતા ઝાબીર ફિરોઝ પટેલ નામના અન્ય એક વ્યક્તિએ નાગરિકોને બનાવટી આધાર કાર્ડના દસ્તાવેજ બનાવવા બદલ ધરપકડ કરી : ચાર લોકોને ફરાર જાહેર કરાયા

સુરત રેલવે સ્ટેશન ઉપરથી 5 બાંગ્લાદેશીઓની રેલવે પોલીસે ધરપકડ કરી છે. તેઓ છેલ્લા ઘણા સમયથી સુરત જિલ્લાના સાયણ વિસ્તારમાં ગેરકાયદેસર રહેતા હતા. સુરત રેલવે સ્ટેશન પર દેશભરમાંથી લોકોની હજારોની સંખ્યામાં અવર જવર થતી હોય છે. તેમાં પણ સુરતમાં અલગ અલગ રાજ્યોમાંથી લોકો આવતા જતા હોય છે તેવી ભીડ વચ્ચે આ ગેંગને ઝડપી પાડી છે.

સુરત રેલવે પોલીસ મથકના ઈન્સ્પેક્ટર કે.એમ.ચૌધરી એ માહિતી આપતાં જણાવ્યું હતું કે 25 એપ્રિલે મહિલા પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડી. કે.સોલંકી અને ભારતીબેન રોહિત સાથે પ્લેટફોર્મ ઉપર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન સવારે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર બે પુરુષ અને ત્રણ મહિલા શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. પોલીસ સ્ટાફે તેને રોકીને પૂછપરછ કરી હતી, જેમાં તેઓને સંતોષકારક જવાબ મળ્યો ન હતો.

પોલીસે તેમને પોલીસ મથક લાવીને સઘન પૂછપરછ શરૂ કરી હતી, જેમાં તેમણે પોતાના નામ 26 વર્ષીય પરવેઝ આયબા મિર્ઝા, 20 વર્ષીય નયોન રૂત્રા મોસીર મૌલા, 18 વર્ષીય બિસ્તી અખ્તર, 19 વર્ષીય ફતેમાં ખાતુન અને 20 વર્ષોય ફરઝાનની ધરપકડ કરી છે, આ તમામ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા સાયણ ત્રણ રસ્તા નજીક વસવાટ કરતા હતા.

આ તમામ આરોપીઓ મૂળ બાંગ્લાદેશના નરેલ જિલ્લાના છે. રેલવે પોલીસે બારડોલી ઉપલી બજારમાં રહેતા ઝાબીર ફિરોઝ પટેલ નામના અન્ય એક વ્યક્તિએ નાગરિકોને બનાવતી રીતે આધાર કાર્ડના દસ્તાવેજ બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી છે, આ કેસમાં બનાવટી દસ્તાવેજો તૈયાર કરનાર ચાર લોકોને ફરાર જાહેર કરાયા છે. વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે કે આ રેકેટ કેટલા સમયથી ચલાવતા હતા અને અત્યાર સુધી કેટલા લોકોને આવી રીતે લાવવામાં આવ્યા તે બાબતે પણ તપાસ કરશે તો અનેક હકીકતો બહાર આવે તો નવાઈ નહીં.

(12:22 am IST)