Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

જો અધિકાર આપવા માંગતા હોય તો આદિવાસીઓના ખોટા પ્રમાણપત્ર મુદ્દો ઉઠાવો જોઈએ: સાંસદ વસાવા

ભાજપના સાંસદ મનસુખભાઇ વસાવાએ રાહુલ ગાંધી અને ભાજપના આદિજાતિ નેતાઓને અપીલ કરી

અમદાવાદ :સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી 1 ખાતે એક તરફ ભાજપ આદિજાતિ મોરચાની રાષ્ટ્રિય કારોબારી બેઠક મળી હતી બીજી બાજુ દાહોદ ખાતે રાહુલ ગાંધીની જાહેર સભા યોજાઈ હતી.ત્યારે ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ રાહુલ ગાંધી અને ભાજપના આદિજાતિ નેતાઓને આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રનો મુદ્દો ઉઠાવવાની જાહેરમાં અપીલ કરી હતી.

મનસુખભાઈ  વસાવાએ રાહુલ ગાંધી અને ભાજપના આદિજાતિ નેતાઓને અપીલ કરતા જણાવ્યું હતું કે જો તમે આદિવાસીઓને અધિકાર આપવા માંગતા હોય તો આદિવાસીઓના ખોટા પ્રમાણપત્ર મુદ્દે ચર્ચા કરવી જોઈએ. પોતાને આદિવાસી મસીહા માનનારા છોટુભાઈ વસાવાએ પણ બીટીપી-આપના સંમેલનમાં આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રનો મુદ્દો નથી ઉઠાવ્યો.

મનસુખભાઈ  વસાવાએ જણાવ્યું હતું કે આ મુદ્દે ગુજરાત સરકારે કાયદો બનાવ્યો છે પણ ખોટા આદિવાસીઓના પ્રમાણપત્ર વાળા રાજકીય આગેવાનોના દબાણને લીધે સાચા આદિવાસીઓને એમનો હક અને અધિકાર મળતાં નથી.જો કે આ બાબતે આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી નિમિષાબેન સુથારે એમ જણાવ્યું હતું કે મનસુખભાઈ વસાવા સાચી ચિંતા કરી રહ્યા છે, હું પણ રાજ્ય સરકારમાં મંત્રી છું, પણ કોઈના અધિકાર છીનવાઈ રહ્યા હોય એવું ધ્યાનમાં નથી આવ્યું, મને એવું નથી લાગતું કે કોઈના અધિકાર છીનવાઈ રહ્યા હોય.

 ભાજપ સાંસદ મનસુખભાઈ  વસાવાએ આદિવાસીઓના ખોટા પ્રમાણપત્ર મુદ્દે જણાવ્યું હતું કે દરેક સરકારે લાખોની સંખ્યામાં આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો આપ્યા છે.રાજ્ય સરકારની માનસિકતા આદિવાસીઓના હિતની છે પણ ખોટા આદિવાસીના પ્રમાણપત્રો વાળા રાજકીય નેતાઓ સરકાર પર દબાણ લાવે છે.આદીવાસી સંગઠનો સંગઠિત નથી, 1 સાંધો ત્યાં 13 તૂટે એવી સ્થિતિ છે.આદીવાસી નેતાઓની નબળી લીડરશીપને લીધે ખોટા આદિવાસી પ્રમાણપત્રનો પ્રશ્ન અભરાઈ પર ચઢેલો છે.નિમિષાબેન વિરૂદ્ધ પણ ઘણા આંદોલનો થયા છે, જો તેઓ ન્યાયમાં માનતા હોય તો એમણે પોતાના પદ પરથી હટી જવું જોઈએ.આદિવાસીઓના કેટલાક મૂંઝવણ વાળા પ્રશ્નો ચિંતાનો વિષય છે.ચૂંટણી આવે ત્યારે જ આદિવાસીઓના પ્રશ્નો યાદ આવે છે, પણ ચૂંટણી ન હોય ત્યારે આદિવાસીઓના પ્રશ્નો ઉઠાવવા જોઈએ

(12:09 am IST)