Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

સુરત મ્યુનિ. કોર્પોરેશનની ડાયરીમાંથી માન્ય રાજકીય પક્ષોની યાદીમાંથી “આપ” બાકાત

મનપાના શાસક અને વિપક્ષ નેતાના ફોટા ડાયરીમાં પ્રિન્ટ કરાતા નથી :પ્રથમ વખત શાસક અને વિપક્ષ નેતાના ફોટાને ડાયરીમાં સ્થાન

સુરત મહાનગરપાલિકાન નવી ડાયરીમાં આમ આદમી પાર્ટીના નામની બાદબાકી કરવામાં આવી છે. જેને પગલે આગામી દિવસોમાં આ મામલે નવો વિવાદ સર્જાય તે વાત નકારી શકાય તેમ નથી. કલેકટર કચેરીથી પ્રાપ્ત થયેલી રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની યાદીમાં આપના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.પરિણામે સુરત મહાનગરપાલિકાની ડાયરીમાં પણ આપનું નામ છાપવામાં આવ્યું નથી. એવો ખુલાસો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. જોકે પ્રથમ વખત મહાનગરપાલિકાની ડાયરીમાં શાસક અને વિપક્ષ નેતાના ફોટાને સ્થાન આપવામાં આવ્યું છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે સમગ્ર માહિતી સાથેની વાર્ષિક ડાયરી પ્રિન્ટ કરવામાં આવે છે. જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓના નામો, ફોરાંઓ, મનપા દ્વારા પુરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ, મનપાના વિવિધ પ્રોજેક્ટોની માહિતીનો ઉલ્લેખ કરવામાં આવે છે. મનપા દ્વારા છપાવવામાં આવેલી વર્ષ 2022ની ડાયરીમાં રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 બહુજન સમાજ પાર્ટી, ભારતીય જનતા પાર્ટી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડીયા(સી.પી.આઇ), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડીયા, ઈન્ડીયન નેશનલ કોંગ્રેસ અને નેશનાલીસ્ટ – કોંગ્રેસ પાર્ટીનો સમાવેશ થાય છે. સુરત મનપાની ચૂંટણીમાં 27 બેઠકો કબ્જે કરી આમ આદમી પાર્ટી વિપક્ષની ભૂમિકામાં આવી છે. આમ આદમી પાર્ટીના નામની બાદબાકી થતા આગામી દિવસોમાં વિવાદ સર્જાય તેવી શક્યતા જોવાઈ રહી છે. મહત્વની વાત એ છે કે અત્યાર સુધી મનપાના શાસક અને વિપક્ષ નેતાના ફોટા ડાયરીમાં પ્રિન્ટ કરવામાં આવ્યા નથી. પ્રથમ વખત શાસક અને વિપક્ષ નેતાના ફોટાને ડાયરીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

નોધનીય છે કે કયા રાજકીય પક્ષોનું રજીસ્ટ્રેશન થયું છે તેની માહિતી મનપા દ્વારા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી પાસેથી માંગવામાં આવી હતી. કલેકટર કચેરી તરફથી ઉક્ત નામોની મળેલી યાદીના આધારે મનપાની ડાયરીમાં રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો મનપા દ્વારા કરવામાં આવ્યો હતો. જો આ મુદે સ્થાયી સમિતિ ચેરમેનને જાણ થતા તેમણે મનપાના પીઆરઓ વિભાગને તાકીદે આમ આદમી પાર્ટીના નામનો ઉલ્લેખ ડાયરીમાં કરવાની સુચના આપી હતી

(11:12 pm IST)