Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

રાજ્યના ગામડાઓમાં હવે નોટરી-વકીલની ઘટ નહિ પડે :1660 જગ્યાઓ માટે 16મીથી ઈન્ટરવ્યું પ્રર્કિયા થશે શરૂ

પ્રથમ તબક્કામાં 8 જિલ્લા બોટાદ, પોરબંદર, મોરબી, દ્વારકા, નર્મદા, ડાંગ, તાપી અને છોટા ઉદેપુરમાં થશે નિમણૂક પ્રક્રિયા:10 હજારથી વધુ ધારાશાસ્ત્રીના ઈન્ટરવ્યુની પ્રક્રિયા કરાશે પૂર્ણ : મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની મોટી જાહેરાત

અમદાવાદ : રાજયના ગામ-તાલુકામાં નોટરી વકીલની ઘટ નહીં પડે, રાજ્યમાં 1660 જગ્યાઓ ભરવા સરકાર સજ્જ બની છે,  નોટરીની કુલ 1660 જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયાનો પ્રારંભ કરાશે . જેમાં પ્રથમ તબક્કામાં બોટાદ, પોરબંદર, મોરબી, દેવભૂમિદ્વારકા, નર્મદા, ડાંગ, તાપી અને છોટાઉદેપુર એમ આઠ જિલ્લાના ધારાશાસ્ત્રીઓ-ઉમેદવારો માટે આગામી તા. 16મેથી ગાંધીનગર ખાતે ઇન્ટરવ્યુ પ્રક્રિયા શરૂ કરાશે ,તેમ કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું.

મંત્રી ત્રિવેદીએ કહ્યું હતું કે, ઇન્ટરવ્યુની સમગ્ર પ્રક્રિયા ઝડપી, સરળ અને ન્યાયિક થાય તે માટે કુલ ત્રણ બોર્ડની રચના કરવામાં આવી છે. નોટરીની કુલ-1660 જગ્યાઓ માટે ધારાશાસ્ત્રીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. રાજ્યભરમાંથી આવેલી અરજીઓની સ્ક્રુટીની કર્યા બાદ 10,427 જેટલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે લાયક ગણવામાં આવ્યા છે. આ ઇન્ટરવ્યુની કામગીરી  તા. 16-5-2022થી બ્લોક નં-1ના ચોથા માળે, નવા સચિવાલય, ગાંધીનગર ખાતે શરૂ કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા ખૂબજ ઝડપી પૂર્ણ કરીને રાજ્યભરમાં 1660 જગ્યાઓ ઉપર નોટરીઓની નિમણૂક આપવામાં આવશે.

મંત્રીએ ઉમેર્યુ હતું કે, ઇન્ટરવ્યુ અંગેની કામગીરી અર્થે તા.5મે 2022ના રોજ અખબારમાં જાહેરાત તેમજ કાયદા વિભાગની વેબસાઇટ ઉપર પણ વિગતો પ્રસિધ્ધ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં જિલ્લા મુજબ યોજાનાર ઇન્ટરવ્યુના ઉમેદવારોના કોલલેટર વેબસાઇટ ઉપર અપલોડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ તબક્કાવાર બાકીના જિલ્લાના ઉમેદવારોના ઇન્ટરવ્યુની તારીખની વિગતો પણ આ વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવશે.
‘ 

   
(8:11 pm IST)